ભાડુઆતને સમજાવવા જતા મકાનમાલિક પર છરી-પાઈપથી હુમલો:આરોપીઓ મકાનમાલિકને ઘર ખાલી કરાવ્યું તો તને જાનથી મારી નાખવો પડશે કહી ફરાર
ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં ભાડુઆતને અન્ય ભાડુઆતોને હેરાન કરવાના મુદ્દે સમજાવવા જતા મકાનમાલિકને છરી અને પાઈપથી હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ મકાનમાલિકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ભાડુઆતોને હેરાન કરતા હોવાથી સમજાવટ કરી હતી
આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકથી મળતી વિગતો અનુસાર રાજકોટ ખાતે રહેતા રાજેન્દ્રસિંહ મંગળસિંહ સરવૈયા (ઉ.વ. 39) ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. 3 એપ્રિલ 2026ના રોજ તેઓ અને તેમના પત્ની ભાવનગરના દેસાઈ નગર, મીરાપાર્ક સોસાયટીમાં આવેલ તેમના મકાન પ્લોટ નં-31(સી) ખાતે હાજર હતા.મકાનમાં રહેતા ભાડુઆત કોમલબેન ધનસુખભાઈ રાઠોડ અન્ય ભાડુઆતોને હેરાન કરતા હોવાથી અગાઉ આ મુદ્દે ધનસુખભાઈને અગાઉ કહ્યું કે, તમે તમારા પત્નીને સમજાવો. અજાણ્યા શખસોએ હુમલો કરી મકાનમાલિકને જાનથી મારી નાખવાની ધમકી આપી
ત્યારબાદ ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યે કોમલબેનના સંબંધી હિતેશભાઈ તથા બે અજાણ્યા શખસો ઈકો કાર લઈને સ્થળ પર આવી અપશબ્દો બોલવા લાગ્યા હતા. વિરોધ કરતા એક શખસ પાઈપ લઈને અને હિતેશ છરી સાથે હુમલો કરી રાજેન્દ્રસિંહના હાથમાં ઇજા પહોંચાડી હતી, તેમજ અન્યોએ પણ પાઈપ અને ઢીકા પાટાથી માર માર્યો હતો. હુમલા બાદ આરોપીઓએ મકાનમાલિકને ધમકી આપી કે, “આજ પછી જો ઘર ખાલી કરાવ્યું છે તો તને જાનથી મારી નાખવો પડશે.” ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત રાજેન્દ્રસિંહે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કોમલબેન ધનસુખભાઈ રાઠોડ, હિતેશભાઈ અને બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ BNS એક્ટની કલમ 115(2), 118(1), 117(2), 352, 351(3), 54 તેમજ જીપી એક્ટની કલમ-135 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં રાજેન્દ્રસિંહને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Read Original Article →