'કોર્પોરેટરના હોદ્દા લઈને એન્ટ્રીઓ પાડે છે':'ડ્રેનેજ લાઈન પણ અમારે પાણીની અંદર ભળી જાય છે', કુંભારવાડામાં રોડ, ગટર અને પાણીની સમસ્યાથી લોકો પરેશાન

Gujarat4/13/2026, 12:30:00 AM
'કોર્પોરેટરના હોદ્દા લઈને એન્ટ્રીઓ પાડે છે':'ડ્રેનેજ લાઈન પણ અમારે પાણીની અંદર ભળી જાય છે', કુંભારવાડામાં રોડ, ગટર અને પાણીની સમસ્યાથી લોકો પરેશાન
ભાવનગર મનપાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે, ત્યારે વોર્ડ નં. 2 (કુંભારવાડા)માં સ્થાનિકોની મૂળભૂત સુવિધાઓના અભાવે આક્રોશ જોવા મળી રહ્યો છે. વોર્ડ નં. 2માં 2021મા ભાજપના ચાર ઉમેદવારે જીત મેળવી હતી. જ્યારે દિવ્ય ભાસ્કર ટીમ આ વોર્ડની સમસ્યા અને સ્થાનિકો સાથે વાત કરવા પહોંચી હતી. જેમાં રોડ, ગટર અને પાણીની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે સ્થાનિક મંજુલાબેન મકવાણાએ કહ્યું હતું કે, ડ્રેનેજ લાઈન પણ અમારે પાણીની અંદર ભળી જાય છે. ત્યારે વોર્ડ નં.2 કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ પરમારે જણાવ્યું હતું કે, કોર્પોરેટરના હોદ્દા લઈને એન્ટ્રીઓ પાડે છે. 'અમે અહીં ચાલીએ તો પડી જઈએ છીએ, કોઈ રોડ સારો નથી' સ્થાનિક પાલુબેને જણાવ્યું હતું કે, આ ક્રિષ્ના સોસાયટી છે. અમારે 10 દિવસથી પાણી ભરાયું છે. અમારા છોકરા માંદા પડે છે અને એની દવા 10,000થી 20,000 રૂપિયાની થઈ છે. અમે અહીં ચાલીએ છીએ તો પડી જઈએ છીએ, કોઈ રોડ સારો કરવા આવતું નથી. મત લેવા આવે છે તો મત અમે આપીશું નહીં. પહેલા રોડ સારો કરી દે. પાંચથી છ વર્ષથી આ સમસ્યા છે. કોર્પોરેટરને જાણ કરી છે તોય કોઈ આવતું નથી. 'ડ્રેનેજ લાઈન પણ અમારે પાણીની અંદર ભળી જાય છે' સ્થાનિક મંજુલાબેન મકવાણાએ કહ્યું હતું કે, હું અહીં ગોપાલ સોસાયટીની અંદર રહું છું. અમારે અહીંયા રોડનું ખોદકામ કરીને ગયા પછી પાણી વરસાદનું એમાં ભરાણું છે, તો કોઈ અહીંયા જોવા આવ્યું નથી. મતવાળા આવે ત્યારે મત લેવાનું કહી અને પછી કોઈ જોવા આવતું નથી.વારંવાર અમારે આનું આ જ પરિણામ ઊભું રહે છે અને કોઈ જોવા આવતું નથી. અમારે ગટર, પાણીની સમસ્યા છે સાથે ડ્રેનેજ લાઈન પણ અમારે પાણીની અંદર ભળી જાય છે. અમારા છોકરાઓ માંદા પડે છે, જેથી અમારે વારંવાર દવાખાને જાવું પડે છે. તેમ છતાંય પણ કોઈ અહીં અમારે જોવા આવતું નથી. 'ખાડા કરીને જતા રહ્યા, તેમાં ગંદકીનું પાણી ભરાણું' સ્થાનિક જીવાભાઈ ખાસુટીયાએ જણાવ્યું હતું કે, હું આ વિસ્તારમાં 50થી 60 વર્ષથી રહું છું, પણ એનો એ જ પ્રશ્ન છે. નથી અહીંયા કોઈ રોડની સુવિધા અને મચ્છરનો તો એટલો બધો ત્રાસ છે કે રાત્રે ટોળાને ટોળા મચ્છરના ઉતરી જાય છે અને ગંદકી એટલી બધી! ગોપાલ સોસાયટીથી માંડી અમર સોસાયટીમાંથી તો ત્યાંથી અમારે જાવું તો જાવું ક્યાં? એટલી બધી ગંદકીને એટલો બધો રોડ ખરાબ છે કે નથી અમે ચાલીને જઈ શકીએ. હાલીને અમારી જે કંઈ ઉંમરલાયક માણસો છે એ કેવી રીતે હાલી શકે?. 'મતદાન આવે એટલે આ લોકો હાથ જોડશે' તેને વધુમાં કહ્યું કે, હજી 5 વર્ષેય નથી થયા ત્યાં રોડના બનાવેલ ત્યાં રોડ તોડી નાખવામાં આવ્યો. હવે રોડ તોડી તો નાખ્યો પણ એ પાછા એ લોકો જે કામ કરવાવાળા હતા એ બધા ભાગી ગયા અને અહીંયા મોટો જબ્બર ખાડો કરીને ગયાં. હવે એમાં ગંદકીનું પાણી એટલું બધું ભરાણું કે અંદર મચ્છર, માખી હવે અમારે જમવા બેસવું હોય તો માખીઓ ઉડાડવી કે મચ્છર ઉડાડવા કે અમારે જમવું. મતદાન આવશે એટલે આ લોકો હાથ જોડશે, 'અમને આપજો મત, અમને આપજો મત'. પણ કોને આપવો કોનો વિશ્વાસ કરવો. 'આંટો મારીને વીડિયો ઉતારીને જતા રહે છે' સ્થાનિક વાલજીભાઈ ગોહેલે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં હું લગભગ ત્રણેક વર્ષથી ભાડેથી રહું છું, અમુક જગ્યાએ જ્યારે વરસાદ પડ્યોને ત્યારે મોટા-મોટા પથરાના ગોળા નાખી ગયા હતા. અમારે અહીં નાના-નાના છોકરા માંદગીમાં અત્યારે હેરાન થાય છે. અત્યારે તમે જુઓ આ નજર સામે જ છે મચ્છરના ત્રાસથી અમે કંટાળી ગયા છીએ, તો શું કરવું હવે એનું મ્યુનિસિપાલિટી કઈ જવાબ દેતી નથી. અહીંયા આવીને આંટો મારીને ઓલા વીડિયોને એ ઉતારીને જતા રહે છે. તો પછી હવે અમારે ફરિયાદ કરવી કોને જ્યારે મત લેવાના આવવાનું હશેને ત્યારે બધા અહીંયા આખા ટોળા આવશે, પછી કોઈ અહીંયા ધ્યાન દેવા આવતું નથી. 'આંતરિક રોડની વાત કરવામાં આવે તો 70% રોડ બન્યા નથી' વોર્ડ નં.2 કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ પરમારે જણાવ્યું હતું કે, કુંભારવાડાનો પૂર્વ કોર્પોરેટર છું. એની પહેલાં ચિત્રા-ફુલસરમાં પણ કોર્પોરેટર તરીકે મેં સેવા આપી છે. આ વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે મને કુંભારવાડામાંથી ટિકિટ આપી છે. કુંભારવાડા વોર્ડની સમસ્યાઓ તમે જોવામાં જાઓ તો ભાવનગર શહેરનો અત્યારે જે કોઈ બેકવર્ડમાં બેકવર્ડ અને પછાતમાં પછાત વિસ્તાર રહ્યો હોય, સુવિધા આપવા માટે તો એ કુંભારવાડા વોર્ડ છે. કુંભારવાડા વોર્ડમાં રસ્તા બરોબર છે નહીં. અત્યારે આંતરિક રોડની વાત કરવામાં આવે તો 70% રોડ બન્યા નથી, આ હકીકત છે. વારંવાર પાણીની મુશ્કેલીઓ પડે છે અને ગટરના પાણી પીવાના પાણીના નળમાં ભેળવાઈ જાય છે અને પછી રોગચાળો ફાટી નીકળવાની સમસ્યા તો રોજબરોજની થઈ ગઈ છે. બંને ફાટક પર ટ્રાફિક જામની સમસ્યા તેને વધુમાં કહ્યું કે, કુંભારવાડાના ખાસ કરીને લોકોને સૌથી વધારે મુશ્કેલી પડતી હોય તો એ રેલવે ઉપર અન્ડરબ્રિજ બનાવવાનો છે. ત્યાં ટ્રાફિક જામ થાય છે અને મોટાભાગના લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હીરાના કામ કરતાં લોકો બપોરે જમવામાં અને સવારે જવામાં કામ પર અને સાંજે પરત ફરવામાં બંને ફાટક પર એટલું ટ્રાફિક થાય છે. 'કોર્પોરેટરના હોદ્દા લઈ અને એન્ટ્રીઓ પાડે છે' પરમારે વધુમા કહ્યું કે, લોકો કહે છે કે ચાર કોર્પોરેટર બીજેપીના ચૂંટાયા છે પરંતુ વિસ્તારમાં એક પણ વાર ડોકાયા નથી. માત્ર આ BJPના કોર્પોરેટરો એ કોર્પોરેટર બન્યા પછી કોન્ટ્રાક્ટરો બની જાય છે અને કોન્ટ્રાક્ટરોના પાર્ટનરો બની જાય છે અને પૈસા ઢસડવામાં, લોકોની સેવામાં એક પણ પૈસાનું કામ ન કર્યું હોય. માત્ર કોર્પોરેટરના હોદ્દા લઈ અને એન્ટ્રીઓ પાડવામાં, પોતાની ફોરવ્હિલ આગળ-પાછળ નેમપ્લેટો મૂકવામાં એમાંથી બહાર આવી શકતા નથી. 'ભાજપના શાસનનો અંત કરવાની શરૂઆત કુંભારવાડાથી થશે' અરવિંદ પરમારે કહ્યું કે, હકીકત એ છે કે આ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે અંદરોઅંદરની એટલી બધી ખટપટ ઉભી થઈ છે કે જેના કારણે આ વખતે કુંભારવાડા વોર્ડમાંથી કોંગ્રેસ પક્ષની પેનલ 1000% જીતવાની છે. અને આ વખતે કુંભારવાડા વોર્ડની કોંગ્રેસની પેનલ એ ટકોરાબંધ પેનલ છે અને શિક્ષિત પેનલ છે, યુવાનોની પેનલ છે એટલે આ વખતે અહીં મિજાજ કંઈક જુદો જ છે અને ભાજપના શાસનનો અંત કરવાની શરૂઆત કુંભારવાડા વોર્ડ નં. 2થી થશે એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે. 'દોઢેક વર્ષથી પાણીનો પ્રશ્ન નથી' આ અંગે કુંભારવાડા વોર્ડ નંબર-2ના પૂર્વ કોર્પોરેટર નરેશ ચાવડાએ જણાવ્યું હતું કે, મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે કુંભારવાડાના વોર્ડમાં મારા આવ્યા પછી 5 વર્ષમાં વોર્ડનું આટલું કામ કરી શકીશ. મારું જે સપનું હતું, કુંભારવાડા વોર્ડના મુખ્યત્વે 5 કામ કરવાનું, એમાં હું પૂરેપૂરો સફળ થયો છું.જેમાં ગઢેચી રોડવાળો જે રેલવે 219 નંબરના ફાટકનો વડલા તરફ જવાનો અંડરપાસ છે, એ મંજૂર થઈ ગયો છે. ટૂંક સમયમાં એનું કામ પણ ચાલુ કરવાનું છે. પાણીનો પ્રશ્ન હલ થાય એ માટે અક્ષરપાર્કમાં કરોડોના ખર્ચે ઓવરહેડ ટેન્ક બનાવી છે. ટૂંક જ સમયમાં, એક-બે દિવસમાં જ એ પાણીની સપ્લાય ચાલુ થઈ જવાની છે. ત્યારે મારા વોર્ડમાં જે વહેલી સવારે પાણી મળતું હતું, એ લોકોને હવે 6 વાગ્યા કે 5 વાગ્યાની આસપાસ પૂરા પ્રેશરથી પાણી મળશે. છેલ્લા દોઢેક વર્ષથી પાણીનો પણ પ્રશ્ન નથી. 'સ્ટ્રીટ લાઈટવાળો ફોરલેન રોડ 32 કરોડના ખર્ચે મંજૂર કરાવ્યો' વધુમાં જણાવ્યું હતું કે, અવેડાવાળું નાળું બનાવ્યું છે. જે ફોરલેન અને અવેડાથી 10 નાળા, જે અમારે કુંભારવાડામાં એન્ટ્રી થવાનું નાક હતું. ડિવાઈડર અને સ્ટ્રીટ લાઈટવાળો ફોરલેન રોડ 32 કરોડના ખર્ચે મંજૂર કરાવ્યો છે. તમે 10 નાળાથી નારી ચોકડી જતા હશો તો કુંભારવાડો પહેલા આવશે, જોશો તો તમને દેખાશે કે આ કુંભારવાડા જવાનો રસ્તો છે. '250 કરોડના કુંભારવાડામાં વિકાસના કામ અમે 5 વર્ષમાં કર્યા' ચાવડાએ વધુમાં કહ્યું હતું કે, અવેડાથી રાધેકૃષ્ણ પાર્ટી પ્લોટ સુધીની અપગ્રેડેશન ડ્રેનેજ લાઇન પણ નવી નાખી છે. અડધું કામ પૂર્ણ થઈ ગયું છે અને અડધું કામ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. બીજું કે વોટરવર્કસની પાણીની લાઇનો અમુક હતી અમારે કુંભારવાડામાં નવી નાખવાની, જે વર્ષો જૂની લાઇનો હતી, એ પણ ઘણી નવી અપગ્રેડ થઈ ગઈ છે. ઘણા બધા કુંભારવાડાના રોડ, RCC રોડ, બ્લોક-પેવિંગના ઘણા કામ કર્યા છે. જો બાકી રહી ગયા હશે કે ક્યાંક બહુ જવલ્લે જ બાકી રહ્યા હશે. આશરે 250 કરોડના કુંભારવાડામાં વિકાસના કામ અમે 5 વર્ષમાં કર્યા છે.
Read Original Article →