ચિત્રામાં ભાવનગર મનપાની ડિમોલિશન કાર્યવાહી:નાળા પર ખડકી દેવાયેલા 40 ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું

Gujarat5/19/2026, 7:17:29 AM
ચિત્રામાં ભાવનગર મનપાની ડિમોલિશન કાર્યવાહી:નાળા પર ખડકી દેવાયેલા 40 ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજરોજ મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા એક નાળામાં થયેલાં મોટાપાયે ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા માટે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ દબાણો દૂર કરાયા આ અંગે મળતી માહિતી મુજબ ભાવનગરના ટી.પી. સ્કીમ નંબર 1એ (ચિત્રા), જી.આઈ.ડી.સી. તેમજ સત્યનારાયણ સોસાયટી વચ્ચે એક મોટું નાળું આવેલું છે આ નાળાની અંદર અને તેની આસપાસ સ્થાનિક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે મકાનો અને ઓરડીઓ ઊભી કરી દેવામાં આવી હતી, જેના કારણે પાણીના નિકાલમાં અવરોધ ઊભો થતો હતો. ગેરકાયદે બાંધકામ મામલે 40 લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર વેગડ અશોકભાઈ એ જણાવ્યું હતું કે, આ જગ્યા ખાલી કરવા માટે તંત્ર દ્વારા થોડા સમય પહેલાં જ 40 જેટલી નોટિસો ફટકારવામાં આવી હતી, નોટિસની મુદત પૂરી થતાં જ આજરોજ સવારથી જ ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, ​મનપાની ટીમે જેસીબી મશીનોની મદદથી નીચે મુજબના ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કર્યા હતા, જેમાં 25 જેટલી પતરાવાળી ઓરડીઓ, 10 જેટલી પાકા સ્લેબવાળી ઓરડીઓ, 19 જેટલી કમ્પાઉન્ડ વોલ, સંડાસ અને બાથરૂમ વગેરેના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે, આ દબાણ હટાવ કામગીરીમાં 4 જેસીબીની મદદથી સાંજ સુધીમાં આ સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવશે, ​ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી ​કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડિમોલિશન સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, આ ડીમોલેશનમાં ટાઉન પ્લાનિંગ વિભાગનો કાફલો, મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલના કર્મચારીઓ અને પોલીસ સ્ટાફની હાજરીમાં ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તંત્ર દ્વારા 4 જેટલાં જેસીબી મશીનો સતત દોડાવીને સાંજ સુધીમાં આ તમામ ગેરકાયદે આશરાઓ દૂર કરી નાળાની જગ્યા ખુલ્લી કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે, તંત્રની આ કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો.
Read Original Article →