ખેડૂતવાસમાં પોલીસ-PGVCLનું મેગા કોમ્બિંગ ઓપરેશન:શરીર સંબંધિત ગુન્હાઓમાં સંડોવાયેલા આરોપીઓના 7 મકાનોમાં ગેરકાયદેસર વીજ કનેકશન કાપ્યા, 6 લાખનો દંડની નોટિસો
ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખેડૂતવાસના મેલડીમાની ધાર વિસ્તારમાં ગતરોજ પોલીસે પીજીવીસીએલની ટીમ સાથે મળી શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા શખસોના મકાનોમાં સઘન તપાસ કરી હતી. આ દરમિયાન 7 મકાનોમાં ગેરકાયદેસર વીજ કનેકશન મળી આવતા વીજ જોડાણો કાપી અંદાજે 6 લાખના દંડની નોટિસો ફટકારવામાં આવી હતી. જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ ઓપરેશનથી વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. પીઆઈ-પીએસઆઈ અને પીજીવીસીએલની ટીમના સંયુક્ત દરોડા
ભાવનગર શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખેડૂતવાસ ટેકરી ચોક, મેલડીમાની ધાર વિસ્તારમાં ગતરોજ મસમોટું કોમ્બિંગ અને ચેકિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા શખસો સામે પોલીસ દ્વારા વિશેષ નજર રાખવામાં આવી રહી છે. બે પીઆઇ, પાંચ પીએસઆઈ, 40થી વધુ પોલીસ જવાનો તેમજ પીજીવીસીએલની ટીમ સાથે કુલ 24 શખસોના રહેણાંક મકાનોની તપાસ હાથ ધરવામાં આવી હતી. ગેરકાયદે વીજ જોડાણ લેનારાઓને 6 લાખ સુધીનો દંડ ફટકાર્યો
પોલીસના અચાનક ઓપરેશનને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને ચકચાર મચી જવા પામી હતી. તપાસ દરમિયાન 24 પૈકી 7 શખસોના મકાનોમાં ગેરકાયદેસર રીતે વીજ કનેકશન લેવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે પીજીવીસીએલની ટીમે તાત્કાલિક અસરથી ગેરકાયદે વીજ જોડાણો કાપી નાખ્યા હતા તેમજ સંબંધિત શખસોને અંદાજે રૂ.6 લાખના દંડની નોટિસો ફટકારી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવાનો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર પણ નજર રાખી વધુ તપાસ હાથ ધરી હતી.
Read Original Article →