સરટી હોસ્પિટલની જર્જરિત 7 માળની બિલ્ડિંગ તોડવાની કામગીરી શરૂ:સુરક્ષાને લઈ હોસ્પિટલ વિસ્તાર કોર્ડન, 12 નવેમ્બર સુધીમાં સમગ્ર ઇમારત તોડી પડાશે : નાયબ કાર્યપાલક ઈજનેર
ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલની સાત માળની જૂની ઇમારત આખરે તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલા બિલ્ડિંગના કોલમ અને પાયામાં ગંભીર ક્ષતિઓ સામે આવતા આર.એન્ડ બી. વિભાગે ઇમારતને જોખમી જાહેર કરી ડિમોલિશનનો નિર્ણય લીધો હતો. હાલ કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે અને આગામી 12 નવેમ્બર 2026 સુધી સમગ્ર સાત માળનું બિલ્ડિંગ સંપૂર્ણપણે જમીનદોસ્ત કરવામાં આવશે તેમ વિભાગીય ઇજનેરે જણાવ્યું હતું. સાત માળનું બિલ્ડિંગ સંપૂર્ણપણે તોડી પાડવાની કામગીરી શરૂ
વર્ષ 2004માં હોસ્પિટલના PIU વિભાગ હસ્તક સ્ટેટ આર.એન.બી દ્વારા 19 કરોડ રૂપિયાના ખર્ચે દર્દીઓને સારવાર માટે સર તખ્તસિંહજી હોસ્પિટલ કેમ્પસ ખાતે 23000 ચોરસ મીટરનું જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર મળી કુલ 9 માળનું સરકારી હોસ્પિટલ બનાવવામાં આવ્યું હતું. જેમાં 350 બેડની વ્યવસ્થા હતી, અને અનેક વોર્ડના વિભાગો અને ઓપરેશન થિયેટર હતા, આ હોસ્પિટલના કારણે ગીર ગઢડા, ઉના, અમરેલી, રાજુલા, બોટાદ, ગઢડા સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓના દર્દીઓને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. પરંતુ કમનસીબે 2022માં આ બિલ્ડિંગને કન્ડમ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડિમોલિશન માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં 16થી 18 એજન્સીઓમાંથી સૌથી ઊંચો ભાવ આપનાર એજન્સીને કામગીરી સોંપવામાં આવતા આ સાત માળનું બિલ્ડિંગ સંપૂર્ણપણે તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ‘ઓપિનિયન નેગેટિવ આવ્યો કે પબ્લિક બિલ્ડીંગ તરીકે આનો વધારે યુઝ કરવો એ હિતાવહ નથી’
આ અંગે પી.આઈ.યુ. વિભાગ નાયબ કાર્યપાલક ઇજનેર અર્પણ કાતરોડિયાએ જણાવ્યું હતું કે, આ બિલ્ડીંગનું લોકાર્પણ 2004માં થયું હતું અને પછી અમે 2012માં એના કોઈ જગ્યાએથી અલગ-અલગ ગાબડાંને એવું પડતું હોય, એને ધ્યાનમાં રાખીને સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવેલું હતું. એટલે બિલ્ડીંગમાં એવી પરિસ્થિતિ છે કે વપરાશ યોગ્ય છે કે કેમ? તો એનો ઓપિનિયન નેગેટિવ આવ્યો કે પબ્લિક બિલ્ડીંગ તરીકે આનો વધારે યુઝ કરવો એ હિતાવહ નથી. એટલે પછી એને ગવર્મેન્ટમાં તોડી પાડવાની મંજૂરી માટે એપ્લાય થયા. અને તોડી પાડવાની મંજૂરી મળે એટલે 2022ના 10મા મહિનામાં બિલ્ડીંગ ખાલી કર્યું હતું. ‘12 નવેમ્બર સુધીમાં આખું બિલ્ડીંગ તોડી પાડવામાં આવશે’
ત્યારબાદ પછી બિલ્ડીંગ તોડી પાડવા માટેનું ટેન્ડર ને બધું કમ્પ્લીટ થઈ ગયું હોય, અને 13 મે, 2026થી બિલ્ડીંગની જે એજન્સી છે 'હરી સાયન્સ સ્ટોર', એમને હાઇએસ્ટ ભાવ એમના હોય, બીડમાં. એટલે ટોટલ લગભગ 16થી 18 એજન્સી હતી, એપ્લાય થઈ હતી. એમાં હાઇએસ્ટ ભાવ એમનો હતો એટલે એમને કામગીરી સોંપવામાં આવેલી છે. 13/5નો વર્ક ઓર્ડર આપ્યો છે કે 12 નવેમ્બર, 2026 પહેલા આપણી જરૂરિયાત મુજબ એ લોકો આખું બિલ્ડીંગ તોડી પાડીને વ્યવસ્થિત આપણને મેદાન કરી આપવાનું રહેશે. વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલનો જે મેઇન ગેટનો રસ્તો છે, આ બિલ્ડીંગની નજીકનો છે. એટલે અત્યારે એને કોર્ડન કરેલો છે અને ટેમ્પરરી બંધ કરેલો છે. અને ટેમ્પરરી લોકોને અવર-જવર માટે એન્ટ્રી પીએમ રૂમ વાળો અને જે જેલ સાઈડનો મેઈન દરવાજો છે એ બંને ચાલુ રહેશે. પછી 10 એક દિવસમાં આ ભાગનું જ્યારે કામ પૂરું થાય, પછી આ રસ્તો થોડો ખુલ્લો કરવામાં આવશે. એ સિવાયના બે દરવાજા અત્યારે એન્ટ્રી માટે ચાલુ રહેશે.
Read Original Article →