ભાવનગર સર ટી. હોસ્પિટલ બેદરકારી વિવાદ:દર્દીના મોતના મામલે તપાસ તેજ, દોષિતો સામે થશે કડક કાર્યવાહી

Gujarat6/4/2026, 3:58:56 PM
ભાવનગર સર ટી. હોસ્પિટલ બેદરકારી વિવાદ:દર્દીના મોતના મામલે તપાસ તેજ, દોષિતો સામે થશે કડક કાર્યવાહી
અમરેલી પંથકના એક યુવકના અકસ્માત બાદ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયેલા મોત મામલે તબીબોની બેદરકારીના આક્ષેપો ઉઠતા હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું છે. બે દિવસ પૂર્વે બનેલી આ ઘટના બાદ ભાવનગર મેડિકલ કોલેજના ડીન ડો. ચિન્મય શાહે સ્પષ્ટતા કરી છે કે સમગ્ર મામલાની વિગતવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દ્વારા આ મામલે એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ દોષિતો સામે કડક પગલાં લેવાશે. શું છે સમગ્ર મામલો? અમરેલી પંથકના રહેવાસી નીરજભાઈ વ્યાસ નામના યુવકને વાહન અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બે દિવસ પહેલાં તેમનું અવસાન થયું હતું. નીરજભાઈના પરિવારે હોસ્પિટલના તબીબો પર ગંભીર બેદરકારી દાખવ્યા હોવાના આક્ષેપો કર્યા હતા, જેના કારણે હોસ્પિટલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવી તબીબોની ભૂલ મેડિકલ કોલેજના ડીન ડો. ચિન્મય શાહે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ અનુસાર ગત ૨૯ તારીખની આસપાસ દર્દી 'બ્રેન ડેડ' થાય તેવી સ્થિતિ સસ્પેક્ટ કરવામાં આવી હતી અને તેમની પ્યુપીલ પણ રિએક્ટ કરતી નહોતી. "પ્રાથમિક વિગતો મુજબ, જે સમયે આ ઘટના બની ત્યારે વેન્ટિલેટરમાં ઓલરેડી 'ફ્લેટ લાઇન' આવી ગઈ હતી, જેનો અર્થ એ થાય કે દર્દી જીવિત નહોતા. પરંતુ, તે સમયે દર્દીના કોઈ સગા ત્યાં હાજર નહોતા. ત્યાં હાજર રેસિડેન્ટ ડોક્ટરે સગાઓને બોલાવ્યા વગર અને ચાલુ વેન્ટિલેટરે સ્થિતિ બતાવ્યા વિના જ વેન્ટિલેટર હટાવી લીધું હતું અને ત્યારબાદ ઈસીજી (ECG) કર્યો હતો. ખરેખર નિયમ મુજબ, પહેલા સગાને બોલાવીને પરિસ્થિતિથી માહિતગાર કરવાના હતા અને પછી આગળની પ્રોસેસ કરવાની જરૂર હતી." - ડો. ચિન્મય શાહ, ડીન જવાબદારોને સારવારની કામગીરીથી રખાયા અળગા ડીને વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી કમિટીનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી જે તબીબો અને સ્ટાફ દર્દીની સારવારમાં સામેલ હતા અને જેમણે સગાઓ સાથે કમ્યુનિકેશન કર્યું હતું, તે તમામને હાલ પૂરતા દર્દીઓની સારવાર અને સગા સાથેની વાતચીતની કામગીરીથી અળગા રાખવામાં આવ્યા છે. તપાસ કમિટીના સભ્યો અને તેના નામો અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, પ્રોસિજર પૂરી ન થાય ત્યાં સુધી આ વિગતો ગુપ્ત રાખવામાં આવે છે. હાલમાં સંકળાયેલા તમામ તબીબો, શિક્ષકો, તબીબી વિદ્યાર્થીઓ અને નર્સિંગ સ્ટાફ સહિતના તમામના નિવેદનો લેવાની પ્રક્રિયા ચાલુ છે. બધાના નિવેદનો અને જરૂર પડ્યે કાઉન્ટર નિવેદનો લીધા બાદ, વિના વિલંબે આ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે અને જે પણ દોષિત સાબિત થશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
Read Original Article →