મેયરની ટર્મ પૂર્ણ થતા જ ભરત બારડ વેલ્ડિંગ કામમાં વળગ્યા:અઢી વર્ષ ભાવનગરના મેયર રહ્યા પણ પોતાનો વ્યવસાય ન ભૂલ્યા, પોતાનું ઘર પણ નથી
આજકાલ નેતાઓને નાનો પણ હોદો મળી જાય તો પગ જમીન પર રહેતા નથી હોતા. મોટાભાગના નેતાઓમાં અભિમાન આવી જતું હોય છે. સામાન્ય નેતાને હોદો મળ્યા બાદ આર્થિક સ્થિતિ પણ બદલાઈ જતી હોય છે. પરંતુ, ભાવનગર મહાનગરપાલિકાની છેલ્લી ટર્મમાં મેયર રહેલા ભરત બારડ જરા અલગ નેતા છે. અઢી વર્ષ સુધી મેયરપદે રહ્યા હોવા છતા ભરત બારડ આજે પોતાના ફેબ્રિકેશનના કામમાં લાગી ગયા છે. આજની તારીખે પણ તેઓ વેલ્ડિંગની કેબીન પર વેલ્ડિંગ કરી રહ્યા છે. ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, પાર્ટીએ મારા જેવા સામાન્ય માણસને ટિકિટ આપી મેયર બનાવ્યો. મારાથી બનતી સેવા મેં લોકોની કરી. મેયરની ટર્મ પૂર્ણ થતા જ ભરતભાઈએ વેલ્ડિંગની દુકાન શરૂ કરી દીધી
મેયર પદની ટર્મ પૂર્ણ થતાની સાથે જ ભરતભાઈએ કોઈ પણ જાતના દેખાડા વગર શહેરના વડવા વિસ્તારમાં આવેલી પોતાની જૂની વેલ્ડિંગની દુકાન ફરી શરૂ કરી દીધી છે. આજે તેઓ એક સામાન્ય કારીગરની જેમ દુકાને બેસીને લોખંડના કામમાં વ્યસ્ત જોવા મળ્યા હતા, "કામ એ જ પૂજા છે" ભરતભાઈના આ અભિગમે સોશિયલ મીડિયા અને સ્થાનિક લોકોમાં ભારે પ્રશંસા મેળવી છે, લોકો કહી રહ્યા છે કે સત્તા આવે અને જાય પણ માણસાઈ અને પોતાની જમીન સાથે જોડાયેલા રહેવું એ જ સાચી સફળતા છે. ભરતભાઈ બારડનો આ કિસ્સો આજના સમયના નેતાઓ માટે શીખ સમાન છે સત્તાનો અહંકાર ત્યજીને મહેનતની કમાણીમાં વિશ્વાસ રાખતા ભરતભાઈએ સાબિત કરી દીધું છે કે લોકસેવા એ જવાબદારી છે, ધંધો નહીં. મારો દીકરો મારો ધંધો સંભાળી રહ્યો છે, અહીં મદદ કરવા આવું છું- પૂર્વ મેયર
ભરતભાઈ બારડે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌ સૌની ફરજ પ્રમાણે મેયર પદ જ્યાં સુધી મારી મુદ્દત પુરી થઈ ત્યાં સુધી લોકોની સેવા કરવાની મને તક મળી. મેં પુરી ઈમાનદારી, પુરી મહેનત અને વફાદારીથી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે મેં સફળતાપૂર્વક કામ કર્યું. ઉપરાંત હવે નિવૃત્ત થયો છું ત્યારે મારો દીકરો મારો ધંધો સંભાળી રહ્યો હતો,તેને મદદ કરવા આવું છું. વેલ્ડીંગ, પાઈપ કટીંગ અને ફ્રેમિંગ માટે મદદ કરું છું. 'મારા મેયરના કાર્યકાળ તરીકે નાનામાં નાના માણસને મદદ કરી'
ભરત બારડે વધુમાં જણાવ્યું કે, મારા મેયર તરીકેના કાર્યકાલ દરમિયાન નાનામાં નાના માણસને મદદ કરી છે. ભાવનગરવાસીઓને સુખ-સગવડ, લાઈટ નળ, ગટર અને રોડ સહિતની સુવિધા આપવાનો પ્રયાસ કર્યો છે. પૂર્વ મેયરને પોતાની માલિકીનું ઘર પણ નથી
ભરત બારડ અઢી વર્ષ સુધી ભાવનગરના મેયર રહ્યા. આજે પણ તેઓ ભાવનગરના ગાયત્રીનગર વિસ્તારમાં ભાડાના ઘરમાં રહે છે. વેલ્ડિંગનો જે વ્યવસાય છે તે પણ એક કેબિનમાં ચાલે છે. મને આશા છે કે પાર્ટી કદાચ અપવાદરૂપ ટિકિટ આપે- ભરત બારડ
આગામી ચૂંટણીમાં ટિકિટ મળશે કે નહીં? તેના જવાબમાં ભરત બારડે કહ્યું કે, અમારી પાર્ટી 60 વર્ષથી ઉપરની ઉંમરના ટિકિટ નથી આપતી. પણ કદાચ અપવાદરૂપ મને ટિકિટ મળે તેવી આસા છે. ન મળે તો પણ મને દુઃખ નહીં થાય. હું પાર્ટીની અને લોકોની સેવા કરતો રહીશ.
Read Original Article →