માણેકવાડીમાં અશાંતધારાનો ભંગ:જીલાની સલીમને મંજૂરી વિના ફ્લેટનો સોદો કરી કબજો સોંપાયો, 30 લાખ તો ચૂકવાઈ ગયા, વેચનાર અને ખરીદનાર બંન્ને સામે ગુનો દાખલ

Gujarat5/19/2026, 5:21:48 PM
માણેકવાડીમાં અશાંતધારાનો ભંગ:જીલાની સલીમને મંજૂરી વિના ફ્લેટનો સોદો કરી કબજો સોંપાયો, 30 લાખ તો ચૂકવાઈ ગયા, વેચનાર અને ખરીદનાર બંન્ને સામે ગુનો દાખલ
ભાવનગર શહેરના માણેકવાડી વિસ્તારમાં સુરભી એપાર્ટમેન્ટના એક ફ્લેટના ખરીદ-વેચાણમાં અશાંત ધારાનો કાયદેસરનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે. આ વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવા છતાં, પૂર્વ મંજૂરી લીધા વિના જ ફ્લેટનો સોદો કરી કબજો સોંપી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ભાવનગરના સિટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કે.બી. ચાંદલીયાએ મિલકત વેચનાર અને ખરીદનાર બંને વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં સત્તાવાર ગુનો દાખલ કરાવ્યો છે. રૂ. 33 લાખમાં નક્કી થયો હતો સોદો, 30.85 લાખ ચૂકવાઈ ગયા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર, માણેકવાડીના પ્લોટ નં. 582 (સિટી સર્વે નં. 4281, 4282) પર આવેલા સુરભી એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્લેટ નં. બી-10 આવેલો છે. આ ફ્લેટના મૂળ માલિક ચંદ્રકાંત લંગાળીયાએ પોતાનો ફ્લેટ જીલાની સલીમભાઈ ધોળીયાને વેચવા માટે રૂ. 300ના સ્ટેમ્પ પેપર ઉપર 6 માર્ચ 2025ના રોજ 'કબ્જા વગરનું વેચાણ સાટાખત' કરી આપ્યું હતું. આ સાટાખત મુજબ ફ્લેટનો કુલ સોદો રૂ. 33,00,000માં નક્કી થયો હતો, જેમાંથી ખરીદનાર જીલાનીએ વેચનાર ચંદ્રકાંતને કટકે-કટકે રૂ. 30,85,000 બાના પેટે ચૂકવી પણ દીધા હતા અને ફ્લેટનો કબ્જો મેળવી લીધો હતો. નાયબ કલેક્ટર કચેરીએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો આ ગેરકાયદે વ્યવહાર બાદ, 15 એપ્રિલ 2026ના રોજ આ મિલકત સત્તાવાર રીતે તબદીલ (ટ્રાન્સફર) કરવા માટે નાયબ કલેક્ટર કચેરી ખાતે મંજૂરી મેળવવા અરજી કરવામાં આવી હતી. આ અરજી સંદર્ભે ચાલી રહેલી તપાસ દરમિયાન સામે આવ્યું કે, અશાંત ધારા હેઠળ આવતા આ વિસ્તારમાં નિયમ મુજબ અગાઉથી કોઈ પરમિશન લેવામાં આવી ન હતી. સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના જ મિલકત વેચીને કબ્જો સોંપી દેવા બદલ બંને પક્ષકારોએ ગુજરાત અશાંત ધારાનો સરેઆમ ભંગ કર્યો હતો. કઈ કલમો હેઠળ નોંધાયો ગુનો? સિટી મામલતદારની ફરિયાદના આધારે ગંગાજળિયા પોલીસે ફ્લેટ માલિક ચંદ્રકાંત ભગવાનદાસ લંગાળીયા અને ખરીદનાર જીલાની સલીમભાઈ ધોળીયા વિરુદ્ધ 'ગુજરાત સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ અધિનિયમ-1991' ની કલમ 6(ડી) તથા 9(એ) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →