મોટા ખોખરાના યુવક સાથે છેતરપિંડી કરનાર તળાજાનો શખસ ઝડપાયો:સસ્તામાં સોનાની માળા આપવાના બહાને નકલી દાગીના પધરાવી ₹45 હજાર પડાવ્યા હતા
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરની નારી ચોકડી ઓવરબ્રિજ નીચેથી રોકડ રકમ સાથે તળાજાના એક રીઢા શખસને દબોચી લીધો છે. પોલીસની કડક પૂછપરછમાં આ શખસે તેના અન્ય એક સાથીદાર સાથે મળીને ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના એક યુવકને સસ્તામાં સોનાની સાચી માળા આપવાની લાલચ આપી, નકલી માળા પધરાવી ₹45,000 પડાવી લીધા હોવાની કબૂલાત કરી છે. ક્રાઇમ બ્રાન્ચે પકડાયેલા આરોપી પાસેથી ₹15,000ની રોકડ રકમ રિકવર કરી આગળની કાનૂની કાર્યવાહી માટે તેને વરતેજ પોલીસ મથકે સોંપી આપ્યો છે. બાતમીના આધારે નારી ચોકડી ઓવરબ્રિજ નીચેથી ઝડપ્યો
બનાવની વિગત એવી છે કે, ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે, શહેરની નારી ચોકડી ઓવરબ્રિજ નીચે એક શખસ શંકાસ્પદ હાલતમાં ઊભો છે અને તેની પાસે રહેલી રોકડ રકમ છળકપટ કે ચોરી કરીને મેળવેલી હોવાની શંકા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને શૈલેષ ઉર્ફે ટોલીયો રતીલાલ વાઘેલા (ઉં.વ.37, રહે. હાલ-તળાજા, મૂળ-જુનાગઢ)ને રોકડા ₹15,000 સાથે ઝડપી લીધો હતો. વાડીએ જઈ પહેલા સાચો પારો આપ્યો, પછી ₹5 લાખની માળા ₹45 હજારમાં પધરાવી
પકડાયેલા આરોપી શૈલેષની પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તેણે કબૂલાત કરી હતી કે તેણે અને તેના સાથીદાર ગોપાલ સવજીભાઈ રાઠોડ (રહે. તળાજા નદીના કાંઠે, લીલા પીર બાજુ)એ ભેગા મળીને ગત 19 મે, 2026ના રોજ સવારે 09:00 વાગ્યે ઘોઘાના મોટા ખોખરા ગામે રહેતા કાનજીભાઈ નાનુભાઇ ડાભીની વાડીએ ગયા હતા. ત્યાં કાનજીભાઈને સોનાના પારાવાળી એક માળા બતાવી હતી અને તે ઓછા ભાવે વેચવાની છે તેમ કહી વિશ્વાસ જીતવા માટે તે માળામાંથી એક અસલી સોનાનો પારો ચેક કરવા માટે આપ્યો હતો. ત્યારબાદ 22 મે, 2026ના રોજ બપોરે 12:00 વાગ્યાની આસપાસ બંને શખ્સો ફરી વાડીએ પહોંચ્યા હતા અને કાનજીભાઈનો પૂરો વિશ્વાસ કેળવી સોનાની માળાના કુલ ₹5,00,000 નક્કી કર્યા હતા. જોકે, 'હાલ આ માળા તમે ₹45,000માં રાખો, બાકીના રૂપિયા અમે પછી લઈ જઈશું' તેમ કહી નકલી માળા પધરાવીને વિશ્વાસઘાત કર્યો હતો. સાચો પારો બતાવી નકલી દાગીના પધરાવવાની મોડસ ઓપરેન્ડી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગની મોડસ ઓપરેન્ડી (ગુનો કરવાની પદ્ધતિ) ખૂબ જ શાતિર છે. તેઓ સોનાની ખોટી માળામાં એક અસલી સોનાનો પારો રાખતા હતા. જ્યારે કોઈ ગ્રાહકને ફસાવવાનો હોય ત્યારે તે સાચો પારો જ ચકાસણી કરવા માટે આપતા હતા, જેથી સામેની વ્યક્તિને દાગીના અસલી હોવાનો ભરોસો બેસી જાય. આ રીતે ગ્રાહક વિશ્વાસમાં આવી જાય એટલે સસ્તા ભાવે આપવાનું કહી નકલી માળા પધરાવી રૂપિયા પડાવી લેતા હતા. વરતેજ પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર સહ-આરોપી ગોપાલ રાઠોડને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →