ભાવનગરમાં ડીઝલની અછતથી 50% ટ્રાવેલ્સ બસોના પૈડાં થંભ્યા:હરિદ્વાર સહિતના ધાર્મિક પ્રવાસો પર અસર; ટ્રાવેલ્સ એસો.ની સરકાર સમક્ષ ટેક્સ માફીની માગ
ઇઝરાયેલ તેમજ અમેરિકા-ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિની સીધી અસર હવે ગુજરાતના પરિવહન ઉદ્યોગ પર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ડીઝલના પુરવઠામાં વર્તાઈ રહેલી તીવ્ર અછતને કારણે ટ્રાવેલ્સ ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. પૂરતા પ્રમાણમાં ઇંધણ ન મળવાને લીધે ખાનગી બસોનું સંચાલન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે, જેના કારણે એકલા ભાવનગર જિલ્લાની જ અંદાજે 50% જેટલી ટ્રાવેલ્સ બસો બંધ રાખવાની નોબત આવી છે. આ કટોકટી વચ્ચે ભાવનગર જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ ડીઝલની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા અને બંધ બસોનો ટેક્સ માફ કરવા માગ ઉઠાવવામાં આવી છે. પંપ પર માત્ર ₹2,000થી ₹5,000નું જ ડીઝલ મળે છેઃ રાજેન્દ્રસિંહ
ભાવનગર જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ અને અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળના ડાયરેક્ટર રાજેન્દ્રસિંહ ગોહિલે પરિસ્થિતિની ગંભીરતા અંગે જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં ભાવનગરની નારી ચોકડી પરથી પસાર થતી નાની-મોટી તમામ ખાનગી બસોની સંખ્યા અંદાજિત 800થી 850 જેટલી છે. હાલ ઉનાળુ વેકેશન અને પવિત્ર અધિક માસ હોવાને કારણે હરિદ્વાર, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી જેવા લાંબા અંતરના ધાર્મિક તથા પ્રવાસી સ્થળો માટે બસોની ભારે ડિમાન્ડ છે. પરંતુ, હાલમાં રૂટ પર આવેલા પેટ્રોલ પંપો પર માત્ર ₹2,000થી ₹5,000 સુધીનું જ મર્યાદિત ડીઝલ આપવામાં આવી રહ્યું છે. આટલા ઓછા ઇંધણમાં હજારો કિલોમીટરની લાંબી મુસાફરી ખેડવી અશક્ય હોવાથી પ્રવાસીઓ રસ્તામાં હેરાન થઈ રહ્યા છે, જેના કારણે સંચાલકોએ મજબૂરીમાં પોતાની 50% બસો ગેરેજમાં ઊભી રાખી દીધી છે. કફોડી સ્થિતિમાં મુકાયેલા ઉદ્યોગ માટે માસિક ટેક્સ માફીની અપીલ
એસોસિએશનના જણાવ્યા અનુસાર, ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રી અત્યારે ભારે આર્થિક નુકસાનમાં ચાલી રહી છે. બસો રોડ પર ન દોડતી હોવા છતાં સંચાલકોએ સરકારને નિયમિતપણે મોટો માસિક ટેક્સ ચૂકવવો પડે છે. છેલ્લા કેટલાક સમયથી ઇંધણના અભાવે 15-15 દિવસ સુધી બસો વગર ઓપરેશને ઊભી રહી હોવાથી, અખિલ ગુજરાત એસોસિએશન દ્વારા સરકારને આ દિવસોનો માસિક ટેક્સ માફ કરવા માટે સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે. સંચાલકોએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ મુસાફરો પર બોજ બને તેવો કોઈ ભાડા વધારો ઈચ્છતા નથી અને પોતાનું જૂનું અસ્તિત્વ જાળવી રાખવા માંગે છે, પરંતુ આ માટે સરકાર વહેલી તકે ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવે તે અત્યંત અનિવાર્ય છે.
Read Original Article →