હીરાના કારખાનેદારને જાનથી મારી નાખવાની ધમકી:કારીગરનો મોબાઈલ લઈ જવાના મામલે અરજી કર્યાની અદાવતમાં ધમકી આપ્યાની બે શખસ સામે ફરિયાદ
ભાવનગર શહેરના ગઢેચી વડલા રોડ પર ભાયાણીની વાડીમાં રહેતા અને વિઠ્ઠલવાડી ઉદ્યોગનગરમાં હીરાનું કારખાનું ધરાવતા હિરેનભાઈ પટેલના એક કારીગર સાથે થોડા દિવસો પહેલા વિવાદ થયો હતો. ગત 13 મેના રોજ મજબૂતસિંહ જીલુભા જાડેજા નામના શખસે કારીગર સાથે ઝઘડો કરી તેનો મોબાઈલ ફોન લઈ લીધો હતો. આ બાબતે વેપારી હિરેનભાઈએ પોલીસમાં અરજી કરી હતી, જેનો ખાર રાખીને આરોપીઓએ વેપારીને ધમકાવવાનું નક્કી કર્યું હતું. કારખાનેદારની પત્નીને ઘરે જઈને ધમકાવી
ઘરે જઈ પત્નીને આપી ધમકી જ્યારે હિરેનભાઈ પોતાના કારખાને હાજર હતા, ત્યારે બપોરના અઢી વાગ્યાના સુમારે મજબૂતસિંહ જાડેજા અને દેવેન્દ્રસિંહ ગોહિલ (બંને રહે. નિર્મળનગર) એક્ટિવા લઈને તેમના ઘરે પહોંચ્યા હતા. આરોપીઓએ ઘરની બહાર સતત હોર્ન વગાડીને વેપારીની પત્નીને બહાર બોલાવી હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા શખ્સોએ હિરેનભાઈની પત્નીને સીધી જ ધમકી આપતા જણાવ્યું હતું કે, 'તારા ઘરવાળાને સાંજ સુધીમાં મારી નાખવાનો છે.' આટલું કહી બંને શખસો ત્યાંથી નાસી છૂટ્યા હતા. બંન્ને શખસ સામે ફરિયાદ કરી
પોલીસ કાર્યવાહી આ ગંભીર ધમકી બાદ ગભરાયેલા પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. સમગ્ર મામલે હિરેનભાઈ પટેલે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ BNS 351(3) અને 54 મુજબ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.
Read Original Article →