2.88 લાખના મુદ્દામાલ સાથે ચોર ઝડપાયો:રાત્રીના સમયે કાર ચોરતા ને પાન મસાલાની દુકાનોને નિશાન બનાવતા, કાર અને ઘરફોડ ચોરીના 4 ગુનાઓનો ભેદ ઉકેલાયો

Gujarat5/22/2026, 3:23:37 AM
2.88 લાખના મુદ્દામાલ સાથે ચોર ઝડપાયો:રાત્રીના સમયે કાર ચોરતા ને પાન મસાલાની દુકાનોને નિશાન બનાવતા, કાર અને ઘરફોડ ચોરીના 4 ગુનાઓનો ભેદ ઉકેલાયો
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) વલ્લભીપુર નજીકથી એક શંકાસ્પદ ઈકો કાર સાથે સલમાન આયાતુલ્લા નામના શખ્સની ધરપકડ કરીને મિલકત સંબંધી 4 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આરોપી પાસેથી રૂ. 82,500ની રોકડ, ચોરીની કાર તથા પાન-મસાલાના જથ્થા સહિત કુલ રૂ. 2,88,798નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આ ટોળકી રાત્રીના સમયે કારની ચોરી કરી તેના દ્વારા પાન-મસાલાની દુકાનોને નિશાન બનાવતી હોવાની કબૂલાત મળી છે. શંકાસ્પદ શખસની બાતમી મળી ને તસ્કરી ટોળકીનો શખસ દબોચાયો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન LCB સ્ટાફને વલ્લભીપુર પાંજરાપોળ અને બજરંગ ચોકડી પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ઈકો કાર સાથે ઉભો હોવાની બાતમી મળી હતી. પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા સલમાન આયાતુલ્લા ઉર્ફે યાતુલ્લા નુરમહંમદ શાહ (રહે. અંબરનાથ, થાણે, મહારાષ્ટ્ર; મૂળ ઉત્તર પ્રદેશ) મળી આવ્યો હતો. બે સાગરીતો સાથે મળીને ચોરી કરતો તેની પાસેથી ઇકો કાર (નં. GJ-38-BA-3426), રોકડ રકમ, વિમલ પાન મસાલા અને તમાકુના પેકેટ્સ તેમજ અન્ય એક વ્યક્તિનું ડ્રાઇવિંગ લાયસન્સ અને મોબાઇલ મળી આવ્યા હતા. આ સાહિત્યના કોઈ કાયદેસરના આધાર કે બિલ ન મળતા પોલીસે મુદ્દામાલ કબ્જે કરી તેની ધરપકડ કરી હતી. પોલીસની સઘન પૂછપરછમાં આરોપીએ તેના અન્ય બે સાગરીતો સીરાજ નુરમહંમદ શાહ (રહે. અંબરનાથ, થાણે) અને જગદિશ ઉર્ફે જીગો ગોરધનભાઇ રાઠોડ (રહે. નડીયાદ) સાથે મળીને આચરેલી ચોરીઓની કબૂલાત કરી હતી. સાણંદ, બાવળા, શિહોર અને વલ્લભીપુર ચોરી બે મહિના પહેલા શિહોરમાંથી ઈકો કારની ચોરી કરી, વલ્લભીપુરમાં હાઈવે પર આવેલી દુકાનમાંથી પાન-મસાલા તથા રોકડની ચોરી કરી હતી. બાદમાં આ કાર પેટલાદ ગામમાં મૂકી દીધી હતી.પંદરેક દિવસ પહેલા બાવળા પાસે નળ સરોવર રોડ પર આવેલી પાન-મસાલાની દુકાનના તાળા તોડી ચોરી કરી હતી. ત્રણ દિવસ પહેલા સાણંદમાંથી ફરી ઈકો કારની ચોરી કરી, તે જ કારનો ઉપયોગ કરી અગાઉની બાવળાવાળી દુકાનમાં બીજી વખત ચોરીને અંજામ આપ્યો હતો. કાર ચોરતા અને પાન મસાલાની દુકાનોને નિશાન બનાવતા આ ટોળકી રાત્રીના સમયે વાહનોની ચોરી કરી, તે વાહનનો ઉપયોગ કરી પાન-મસાલાની દુકાનોના તાળા તોડી રોકડ અને સિગારેટ-તમાકુની ચોરી કરવાની ચોક્કસ મોડેસ ઓપરેન્ડી ધરાવતી હોવાનું બહાર આવ્યું છે. બે ફરાર શખસની શોધખોળ પકડાયેલા આરોપી સલમાનને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વલ્લભીપુર પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અને હાલ ફરાર એવા સીરાજ શાહ અને જગદિશ રાઠોડને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →