કુંભારવાડા-નારીરોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ક્રેટા કાર ઝડપાઈ:ક્રાઈમ બ્રાંચને જોઈ આરોપી તેના સાગરીતો સાથે ભાગ્યો, કાર સહિત રૂ.8 લાખનો મુદામાલ કબ્જે કર્યો

Gujarat6/9/2026, 4:04:54 PM
કુંભારવાડા-નારીરોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ક્રેટા કાર ઝડપાઈ:ક્રાઈમ બ્રાંચને જોઈ આરોપી તેના સાગરીતો સાથે ભાગ્યો, કાર સહિત રૂ.8 લાખનો મુદામાલ કબ્જે કર્યો
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) મળેલી પૂર્વ બાતમીના આધારે નારી વિસ્તાર નજીક ગોઠવેલી વોચ દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને આવતી એક ક્રેટા કારને ઝડપી પાડી છે. જોકે, પોલીસની વોચ નિહાળીને કાર ચાલક પોતાના ત્રણ સાગરીતો સાથે વાહન ઘટનાસ્થળે જ બિનવારસી હાલતમાં મૂકીને નાસી છૂટ્યો હતો. એલસીબીની ટીમે કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ 2016 બોટલો મળી આવી હતી, જેને પગલે પોલીસે દારૂનો જથ્થો અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર ચાલક સહિત ચાર શખ્સો સામે વરતેજ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ પેટ્રોલિંગ અને સચોટ બાતમી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ જ્યારે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે તેમને એક ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, કિશન લાલજીભાઇ ચોહાણ (રહે. કુંભારવાડા, ભાવનગર) નામનો શખ્સ તેના ત્રણ માણસો સાથે એક ક્રેટા કાર (નંબર- GJ-13-CB-6161) માં વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ હાઇ-વે તરફથી નારી ગામ થઇ ભાવનગરમાં પ્રવેશવાનો હતો. આ માહિતીના આધારે એલસીબીની ટીમે તુરંત નારી વિસ્તાર નજીક વોચ ગોઠવી દીધી હતી. પોલીસને જોઈ આરોપીઓ કાર મૂકી ફરાર થયા બાતમીવાળી કાર જ્યારે ત્યાંથી પસાર થઈ ત્યારે વોચમાં રહેલી પોલીસને જોઈને કાર ચાલકે નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કારને નારી ગામ જવાના સર્વિસ રોડ પર વાળી દીધી હતી અને ત્યાંથી નારી તળાવ તરફથી અક્ષર પાર્ક તરફ જવાના કાચા રસ્તે આવેલા મેલડી માતાના મંદિર પાસે કાર મૂકીને તે પોતાના સાગરીતો સાથે અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. પોલીસે 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે બિનવારસી હાલતમાં મળેલી ક્રેટા કારની સઘન તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 2016 નંગ વિદેશી દારૂની બોટલો (કિંમત ₹1,61,280) અને ગુનામાં વપરાયેલી ક્રેટા કાર સહિત ₹8,61,280 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે નાસી છૂટેલા મુખ્ય કાર ચાલક કિશન લાલજીભાઇ ચોહાણ તેમજ તેના ત્રણ અજ્ઞાત સાગરીતો સામે વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવીને તેમને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →