ભરતનગરમાં ગંદુ પાણી નાખવાની બાબતે પાડોશીઓ બાખડ્યા:વૃદ્ધ દંપતી અને પૌત્ર પર પાવડા-પાઇપથી હુમલો, મહિલા સહિત 4 સામે ગુનો દાખલ

Gujarat5/27/2026, 6:59:08 AM
ભરતનગરમાં ગંદુ પાણી નાખવાની બાબતે પાડોશીઓ બાખડ્યા:વૃદ્ધ દંપતી અને પૌત્ર પર પાવડા-પાઇપથી હુમલો, મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
ભાવનગર શહેરના ભરતનગર તરસમિયા રોડ વિસ્તારમાં ગંદુ પાણી અને એઠવાડ નાખવા જેવી સામાન્ય બાબતે બે પાડોશીઓ વચ્ચેનો વિવાદ લોહિયાળ ખેલમાં ફેરવાયો હતો. ઘરની સામે વારંવાર કચરો નાખવાની ના પાડતા ઉશ્કેરાયેલા એક પરિવારે પાડોશમાં રહેતા વૃદ્ધ દંપતી અને તેમના પૌત્ર પર પાવડો, લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં વૃદ્ધને પગમાં ફ્રેક્ચર સહિત ત્રણેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ભરતનગર પોલીસે આ મામલે મહિલા સહિત ચાર હુમલાખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એઠવાડ નાખવાની ના પાડી નીક બનાવી આપવા છતાં ઝઘડો કર્યો પ્રાપ્ત વિગતો અનુસાર, ભરતનગર તરસમિયા રોડ પર આવેલા મહાદેવનગર-2ના પ્લોટ નંબર 21માં રહેતા 60 વર્ષીય વૃદ્ધ અરજણભાઈ હરખાભાઈ જાદવે પાડોશમાં રહેતા મનસુખ ભાકાભાઈ જાંબુચા, તેની પત્ની પ્રભાબેન તથા દીકરાઓ પારસ અને કાળુ સામે ફરિયાદ નોંધાવી છે. પ્રભાબેન અવારનવાર અરજણભાઈના ઘરની સામે ગંદુ પાણી અને એઠવાડ નાખતા હોવાથી પરિવારે અલગથી એક નીક (ગટર લાઇન) બનાવી આપી હતી અને તેનો ઉપયોગ કરવા સમજાવ્યું હતું. છતાં, ગત 26 મેના રોજ સાંજે આશરે 7 વાગ્યે અરજણભાઈ અગાઉ અગાશી પર હતા ત્યારે નીચે બૂમાબૂમ સંભળાતા તેઓ દોડી આવ્યા હતા. નીચે પાડોશીઓ તેમની પત્ની સાથે ગંદા પાણી બાબતે ઉગ્ર ઝઘડો અને ગાળાગાળી કરી રહ્યા હતા. પાવડા અને લોખંડના પાઇપથી ઘાતકી હુમલો, વૃદ્ધને ફ્રેક્ચર અરજણભાઈ વચ્ચે પડીને સમજાવવા જતાં મામલો વધુ બિચક્યો હતો. પ્રભાબેન પોતાના ઘરમાંથી પાવડો લાવીને પતિ મનસુખને આપ્યો હતો, જ્યારે દીકરો કાળુ લાકડાનો ધોકો અને પારસ લોખંડનો પાઇપ લઈને તૂટી પડ્યા હતા. હુમલા દરમિયાન પારસે અરજણભાઈની પત્નીને હાથ-પગમાં પાઇપ મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. બીજી તરફ, મનસુખે અરજણભાઈના કપાળના ભાગે પાવડાનો ઘા ઝીંકી દીધો હતો અને પારસે પગમાં પાઇપ મારતા વૃદ્ધને ફ્રેક્ચર થયું હતું. આ સમયે દાદા-દાદીને બચાવવા વચ્ચે પડેલા પૌત્ર રવિ પર પણ કાળુએ લાકડાના ધોકાથી હુમલો કરી તેના માથા અને હાથના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ ચારેય આરોપીઓ ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યા હતા. નવા કાયદા (BNS) હેઠળ ગુનો દાખલ લોહીલુહાણ હાલતમાં ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ભરતનગર પોલીસે ભોગ બનનાર વૃદ્ધની ફરિયાદના આધારે મનસુખ જાંબુચા, પ્રભાબેન, પારસ અને કાળુ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 115(2), 117(2), 352, 54 તેમજ જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →