નારીચોકડી પાસે ગેરેજમાંથી નશાકારક કફ સિરપનો મસમોટો જથ્થો ઝડપાયો:592 કફ સિરપની બોટલ સાથે મોમીનવાડના બે શખસની ધરપકડ, અમદાવાદનું કનેક્શન ખુલ્યું
શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે ભાવનગર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે મોટી સફળતા મેળવી છે. નારી ચોકડી પાસે આવેલા એક ઓટો ગેરેજમાં પૂર્વ બાતમીના આધારે દરોડો પાડીને પોલીસે પ્રતિબંધિત અને નશાકારક 'કોડાઈન ફોસ્ફેટ' ઘટક ધરાવતી કફ સિરપની 592 બોટલોનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આશરે ₹97,680ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને ગેરેજ ચલાવતા બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે સિરપનો જથ્થો મોકલનાર અમદાવાદના અન્ય એક શખ્સ સામે પણ વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ગેરેજની આડમાં ચાલતો હતો નશાનો કાળો કારોબાર
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર એસઓજી (SOG) ના પીઆઈ શિંગરખીયાને ચોક્કસ બાતમી મળી હતી કે, નારી ચોકડી પાસે કોમલ હોટલની પાછળના ભાગે આવેલી 'રોયલ ઓટો ઈલેક્ટ્રીક' નામની દુકાનમાં કફ સિરપના જથ્થાનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે. આ હકીકત વહેતી થતાં એસઓજી સ્ટાફે પંચોને સાથે રાખીને બપોરના સમયે ઓટો ગેરેજમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. દુકાનની તલાશી લેતા અંદર છુપાવીને રાખેલા બે બેરલ, કબાટ અને પૂંઠાના બોક્સમાંથી નશાકારક કફ સિરપની ૫૯૨ બોટલો મળી આવી હતી. અમદાવાદથી માલ સપ્લાય થતો હોવાની કબૂલાત
પોલીસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિના આરોપ હેઠળ દુકાનમાં હાજર બે શખ્સો (1) અફજલ રજાકભાઈ ખોરજીયા (ઉંમર વર્ષ 27) અને (2) મહમદફારૂક રફીકભાઈ મોમીન (બંને રહેવાસી- મોમીનવાડ, ભાવનગર) ની અટકાયત કરી હતી. પોલીસે તેમની પાસે કફ સિરપના જથ્થા અંગે કોઈ લાયસન્સ કે આધારભૂત પુરાવા માંગતા તેઓ કોઈ પણ કાગળો રજૂ કરી શક્યા નહોતા. કડક પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેઓ વગર લાયસન્સે છૂટક નશાકારક સિરપ વેચતા હતા અને આ જથ્થો અમદાવાદના નાસીર નામના શખ્સે ગાડી મારફતે મોકલી આપ્યો હતો. વરતેજ પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ
એસઓજીની ટીમે ₹97,680ની કિંમતની 592 બોટલો તેમજ બે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે પોલીસે પકડાયેલા બંને સ્થાનિક શખ્સો તેમજ માલ સપ્લાય કરનાર અમદાવાદના નાસીર સહિત ત્રણેય શખ્સો સામે વરતેજ પોલીસ સ્ટેશનમાં નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની કલમ 8(સી), 21(સી) અને 29 મુજબ ગુનો દાખલ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય સપ્લાયર નાસીરને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ તેજ કરી છે.
Read Original Article →