કોંગ્રેસે મેનિફેસ્ટો જાહેર કરતાની સાથે જ ભાજપમાં ભંગાણ:પૂર્વ કોર્પોરેટર સેજલ ગોહેલ કોંગ્રેસમાં જોડાયા; કહ્યું-મારા પર બુટલેગરો હુમલો કરતા હોય તો સામાન્ય મહિલાઓનું શું?
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસે જનતા માટે પોતાનું 'કમિટમેન્ટ' (મેનિફેસ્ટો) જાહેર કરવામાં આવ્યો હતો. સાથે ભાજપમાં મોટું ગાબડું પાડતા વડવા બ વોર્ડના પૂર્વ કોર્પોરેટરને પક્ષમાં સામેલ કર્યા છે. કોંગ્રેસે મેનિફેસ્ટોમાં 17 જેટલા વચનો આપ્યાં
શહેર કોંગ્રેસના પ્રમુખ લાલભા ગોહિલએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં જનતાને પાયાની સુવિધાઓ મળી નથી. જો કોંગ્રેસ સત્તા પર આવશે તો નીચે મુજબના કાર્યો કરવાની ખાતરી આપી છે, જેમાં શહેરમાં હાલ માત્ર 6 વેન્ડર ઝોન છે, જેને વધારીને 120 વેન્ડર ઝોન કરવામાં આવશે, જેનાથી 5000થી વધુ લારી-ગલ્લા ધારકોને રોજગારી અને ન્યાય મળશે. શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનમાં 24 કલાક કાર્યરત મલ્ટી-લેવલ હોસ્પિટલ બનાવવામાં આવશે. ઉપરાંત, દરેક વોર્ડમાં સુવિધાયુક્ત આરોગ્ય કેન્દ્રો ઊભા કરાશે. ભાવનગરની જનતાને સવાર-સાંજ બંને ટાઈમ શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડીશું સહિત અલગ-અલગ 17 જેટલા કમિટમેન્ટ આપ્યા હતા. ભાજપના પૂર્વ કોર્પોરેટર સેજલબેનનો કોંગ્રેસમાં પ્રવેશ
આ પત્રકાર પરિષદ વેળાએ ભાજપના પૂર્વ નગરસેવિકા (કોર્પોરેટર) વડવા 'બ' વોર્ડના સેજલબેન મહેશભાઈ ગોહેલએ કોંગ્રેસ પ્રવેશ કર્યો હતો. તેમણે ભાજપ છોડવા પાછળ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા, જેમાં ભાજપમાં મહિલાઓ અને સંવિધાન સુરક્ષિત નથી, હું પોતે નગરસેવિકા હોવા છતાં મારા પર બુટલેગરોએ હુમલો કર્યો હતો, પરંતુ પક્ષ તરફથી મને કોઈ રક્ષણ કે પ્રતિસાદ મળ્યો નહોતો. જો એક નગરસેવિકા સુરક્ષિત ન હોય, તો સામાન્ય મહિલાઓનું શું? તેમણે વધુમાં જણાવ્યું કે, તેમના વોર્ડમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓ અને બુટલેગરોના ત્રાસ વિરુદ્ધ અવાજ ઉઠાવવા છતાં ભાજપે તેમને સાથ આપ્યો નહોતો. હજી ઘણા ભાજપના નેતાઓ સંપર્કમાં
કોંગ્રેસ પ્રતિનિધિએ દાવો કર્યો હતો કે, ભાજપના હજી ઘણા કોર્પોરેટરો કોંગ્રેસના સંપર્કમાં છે અને આગામી દિવસોમાં વધુ 'તોડફોડ' જોવા મળી શકે છે. પબ્લિક વચ્ચે જવાની રણનીતિ અત્યારે ગુપ્ત રાખવામાં આવી છે, જે યોગ્ય સમયે મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવશે. ભાવનગર કોર્પોરેશનની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસે આક્રમક મૂડ ધારણ કર્યો છે. એક તરફ મેનિફેસ્ટો દ્વારા જનતાને આકર્ષવાનો પ્રયાસ છે, તો બીજી તરફ ભાજપના નારાજ નેતાઓને પક્ષમાં લાવીને શાસક પક્ષને મજબૂત ટક્કર આપવાની તૈયારી કરી રહી છે.
Read Original Article →