વિશ્વ સાઇકલ દિવસ પર 15 કિમીની રાઈડ:ભાવનગર કલેક્ટર ડૉ. મનીષ બંસલે કરાવી શરૂઆત; ભ્રષ્ટાચાર સામે જાગૃતિ લાવવા ACB સ્ટાફ પણ રેલીમાં જોડાયો
વિશ્વ સાઇકલ દિવસ નિમિત્તે ભાવનગર સાઇકલ ક્લબ દ્વારા શહેરમાં એક ભવ્ય 15 કિલોમીટરની સાઇકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાઇકલ રેલીનું ફ્લેગ ઓફ ભાવનગરના કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલ દ્વારા વેલેન્ટાઇન સર્કલ પરથી કરવામાં આવ્યું હતું. આ રેલીની ખાસ વાત એ હતી કે, તેમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB)નો સમગ્ર સ્ટાફ પણ સાઇકલ લઈને જોડાયો હતો અને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ જાહેર જનતામાં જનજાગૃતિ લાવવા માટે અનોખો પ્રયાસ કર્યો હતો. શહેરના વિવિધ માર્ગો પર ફરીને વેલેન્ટાઇન સર્કલ ખાતે રેલી પૂર્ણ થઈ
કલેક્ટર દ્વારા પ્રસ્થાન કરાવ્યા બાદ સાઇકલ રેલી વેલેન્ટાઇન સર્કલથી નીકળી પાણીની ટાંકી, દિલબહાર સર્કલથી વિરાણી સર્કલ થઈ લીલા સર્કલ પહોંચી હતી. ત્યાંથી ટોપ-થ્રી સર્કલ થઈ ઝાઝરીયા હનુમાનજી મંદિર સુધી ગઈ હતી અને ત્યારબાદ શહેરના મુખ્ય જાહેર રસ્તાઓ પર ફરીને પરત વેલેન્ટાઇન સર્કલ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. સમગ્ર સાઇકલ રાઈડના રૂટ પર લોકોએ સાઇકલ સવારોનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. ACB સ્ટાફે પત્રિકાઓ વહેંચીને લોકોને ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટે આહવાન કર્યું
આ આયોજનમાં ભાવનગર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, સમગ્ર સ્ટાફ તેમજ લાંચ રુશ્વત વિરોધી બ્યુરોના મદદનીશ નિયામકની કચેરીનો સ્ટાફ સક્રિયપણે જોડાયો હતો. એસીબીના અધિકારીઓએ સાઇકલ રેલી દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી પોસ્ટરો અને બેનરો પ્રદર્શિત કર્યા હતા તથા માર્ગમાં આવતા નાગરિકોને જનજાગૃતિ લક્ષી પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. તંત્રે ભ્રષ્ટાચારને નેસ્તનાબૂદ કરવાના સરકારના અભિગમ પ્રત્યે લોકોને સજાગ કર્યા હતા અને લાંચખોરી સામે વધુ સારી કામગીરી કરવા માટે એસીબીને સહકાર આપવા આહવાન કર્યું હતું. આ સાથે જ એસીબીની કામગીરી અને મદદ મેળવવા માટેના ટોલ-ફ્રી નંબર અંગે પણ નાગરિકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
Read Original Article →