ભાવનગરમાં બિલાડીનું બચ્ચું બાઇક નીચે કચડાતાં ભારે બબાલ:તલવાર-છરી ઉછળ્યા, બે પક્ષ વચ્ચે મારામારીમાં 8 સામે ગુનો દાખલ
ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં આવેલી કંસારા શેરીમાં બિલાડીના બચ્ચાનું બાઇક નીચે કચડાઈ જવાથી મોત નીપજ્યું હતું. આ સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો અને તલવાર, છરી તથા લાકડાના ધોકા વડે સામસામે હિંસક મારામારી થઈ હતી. બંને પક્ષોએ એકબીજા પર હુમલો કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાની સામસામી ફરિયાદો નોંધાવતાં ગંગાજળિયા પોલીસે કુલ 8 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્રથમ પક્ષનો આક્ષેપ: ઠપકો આપતાં જ તલવાર-છરી સાથે હુમલો કર્યો
બનાવ અંગે પ્રથમ પક્ષના અમન કયુમભાઈ મક્કી (ઉં.વ. 24) એ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, તેમની શેરીમાં રહેતા મુબારક હમદભાઈની બાઇક નીચે આવી જતાં બિલાડીનું બચ્ચું મરી ગયું હતું. આ બાબતે ઠપકો આપવા માટે અમને ગત રાત્રે આશરે 10:30 વાગ્યે મુબારકને કંસારા શેરીના ચોકમાં બોલાવ્યો હતો. આ સમયે મુબારકે છરી બતાવી હતી અને તેના પિતા હમદ લાકડાના ધોકા સાથે તથા તેના બે ભાઈઓ અસલમ અને અર્ષ ત્યાં ધસી આવ્યા હતા. આ શખ્સોએ અમન અને તેના કાકા અલીભાઇને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ પાછળથી હમદનો ભત્રીજો મહમદ કૈફ તલવાર સાથે અને પડોશી ઈરફાન ઈસ્માઈલ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને હવે પછી આ વિસ્તારમાં દેખાશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી નાસી ગયા હતા. પોલીસે આ ફરિયાદના આધારે 6 શખ્સો સામે BNS ની વિવિધ કલમો અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. બીજા પક્ષનો આક્ષેપ: ગાળો આપવાની ના પાડતાં કાકા-ભત્રીજાએ છરીથી હુમલો કર્યો
સામે પક્ષે અહમદભાઈ મેસનભાઈ બાતવિલે (હમદ) પણ અમન મક્કી અને અલી મક્કી સામે વળતી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, ગત રાત્રે અમન મક્કીએ ફોન કરીને તેમના દીકરા મુબારકને ચોકમાં બોલાવ્યો હતો. જેથી અહમદભાઈ અને તેમના દીકરાઓ ત્યાં પહોંચતાં જ અમને ઉશ્કેરાઈને મુબારકને ધમકાવ્યો હતો કે 'હવે અહીંથી ગાડી લઈને નીકળતો નહીં નહિતર મજા નહીં આવે' તેમ કહી ગાળો ભાંડી હતી. અહમદભાઈએ ગાળો આપવાની ના પાડતાં જ અમન અને તેના કાકા અલી મક્કીએ તેમને તથા તેમના દીકરાઓને માર મારવાનું શરૂ કર્યું હતું. દરમિયાન અમન છરી લઈને આવ્યો હતો અને હુમલો કરતાં અહમદભાઈના હાથની આંગળીમાં ઈજા થઈ હતી, જ્યારે વચ્ચે પડેલાં તેમનાં પત્નીને ધક્કો વાગતાં મુંઢ ઈજા થઈ હતી. હુમલાખોરો મુબારકને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. પોલીસે આ ફરિયાદના આધારે કાકા-ભત્રીજા સામે BNS અને જીપી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →