બુધેલગામમાં યુવક પર ધારીયાથી હુમલો:રિસાઈને પિયર ગયેલી પત્નીને તેડવા જવા માટે ઉછીના આપેલા પૈસામાંથી રૂ.500 માંગતા માર માર્યો, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ

Gujarat5/22/2026, 7:56:13 AM
બુધેલગામમાં યુવક પર ધારીયાથી હુમલો:રિસાઈને પિયર ગયેલી પત્નીને તેડવા જવા માટે ઉછીના આપેલા પૈસામાંથી રૂ.500 માંગતા માર માર્યો, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ
ભાવનગર નજીકના બુધેલ ગામમાં રહેતા યુવકની પત્ની રિસામણે હોય જેને પિયરેથી તેડવા જવા માટે યુવકે તેના મોટાભાઈના જમાઈને આપેલા ઉછીના પૈસા માંથી રૂ.500 માંગતા શખ્સે અને તેની પત્ની ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી દરમિયાન શખ્સે યુવકને ધારીયાનો ઘા મારી માથામાં ઈજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વરતેજ પોલીસે પતિ-પત્ની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રિસાઈને પિયર ગયેલી પત્નીને તેડવા જવા પૈસાની જરૂર હતી આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર નજીક આવેલ બુધેલગામ રામાપીરના મંદિર સામે દેવીપૂજક વાસમાં રહેતા વલ્લભભાઈ સામતભાઈ પરમાર (ઉ.વ.26)એ વરતેજ પોલીસ મથકમાં પદુ બાબુભાઇ વાઘેલા અને તેની પત્ની રતનબેન પદુભાઈ વાઘેલા બન્ને રહે. ડુંગર વિસ્તાર, વાળુંકડ ગામ તા. ઘોઘા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગતરોજ બપોરના આશરે એકાદ વાગ્યે તેઓ ઘરે હાજર હતા. અને તેમની પત્ની છેલ્લા ત્રણેક દિવસથી રિસાઈ પોતાના પિયર ચમારડી ગામે ગઈ હોવાથી તેણીને તેડવા જવા માટે ભાડાના પૈસાની જરૂર હતી. ઉછીના આપેલા 3000માંથી તાત્કાલિક 500 માગતા મામલો ઉગ્ર બન્યો આ દરમિયાન તેમના મોટાભાઈ સકુરભાઈના જમાઈ પદુ બાબુભાઈ વાઘેલા તથા મોટાભાઈની દીકરી રતનબેન પદુભાઈ વાઘેલા બુધેલ ખાતે આવ્યા હતા. વલ્લભભાઈએ અગાઉ આપેલા રૂ.3000માંથી તાત્કાલિક જરૂરિયાત માટે રૂ.500 માંગતા મામલો ઉગ્ર બની ગયો હતો. પૈસાની માંગણી કરતા જ પદુ વાઘેલા અને રતનબેન ઉશ્કેરાઈ ને ગાળો બોલવા લાગ્યા હતા. વલ્લભભાઈએ ગાળો દેવાની ના પાડતા પદુ વાઘેલાએ હાથમાં રહેલા ધારીયા વડે તેમના માથાના ભાગે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલા દરમિયાન રતનબેને પણ વલ્લભભાઈ સાથે ઝપાઝપી કરી હતી અને બંનેએ મળીને મારામારી કરતા વાતાવરણ તંગ બન્યું હતું અને વધુ ઝગડો થતા વલ્લભભાઈનો નાનો ભાઈ તેમજ આસપાસના લોકોએ દોડી આવી વધુ મારથી બચાવ્યા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં વલ્લભભાઈને તાત્કાલિક સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વરતેજ પોલીસે પદુ બાબુભાઈ વાઘેલા અને રતનબેન પદુભાઈ વાઘેલા સામે BNS એક્ટ 118(1), 115(2), 352, 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →