BSNLના કેબલની ચોરી કરતી આંધ્રપ્રદેશની ગેંગ ઝડપાઈ:શેલારશા ચોક પાસે જમીન ખોદી ₹25,000ના કોપર વાયરની ચોરી કરનાર 4 શખસો મુદ્દામાલ સાથે પકડાયા
શહેરના શેલારશા ચોકથી રેલવે સ્ટેશન રોડ વચ્ચે BSNL કંપનીના અંડરગ્રાઉન્ડ કોપર કેબલની ચોરી કરનાર પરપ્રાંતિય ટોળકીને નિલમબાગ પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી છે. પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ, ખોદકામના ઓજારો અને એક બોલેરો પીકઅપ વાહન જપ્ત કર્યું છે. શું હતી સમગ્ર ઘટના?
BSNL કંપની દ્વારા અગાઉ ગ્રાહકોને સુવિધા આપવા માટે જમીનમાં કોપર કેબલ લાઈન બિછાવવામાં આવી હતી. ટેકનોલોજી બદલાતા હાલ આ કેબલ લાઈન બંધ હાલતમાં છે, પરંતુ તેના કિંમતી વાયરો હજુ પણ જમીનમાં દબાયેલા છે. શહેરના શેલારશા ચોકથી રઝા ઈલેક્ટ્રિક સુધીના માર્ગ પરથી અજાણ્યા શખ્સોએ આશરે 20 મીટર લાંબો કોપર વાયર (કિંમત ₹25,000) જમીન ખોદીને ચોરી કરી લીધો હતો. પોલીસ ફરિયાદ અને તપાસ
આ અંગે પાનવાડી સ્થિત BSNL હેડ ઓફિસના જુનિયર ટેલિકોમ ઓફિસર પ્રિતેશ હરેન્દ્રપ્રસાદે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ તેજ કરી બાતમીદારો અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી.પોલીસે આ ચોરીના ગુનામાં આંધ્રપ્રદેશના વતની ચાર શખસોની ધરપકડ કરી છે. જેમાં રાજેશ સનપાંગી, સ્વામી નાગપાય શિવરાથરી, વેંકન્ના વિરાસ્વામી શિવરાથરી, શિવપ્રસાદ વિરજુ છલ્લાને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ શખસો પાસેથી ચોરીના કેબલ અને ગુનામાં વપરાયેલું વાહન કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકી અન્ય કોઈ સ્થળે આવી ચોરીમાં સંડોવાયેલી છે કે કેમ તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
Read Original Article →