ગેરકાયદે વસવાટની તપાસ તેજ:બાંગ્લાદેશી હોવાની આશંકાને લઈ 25થી વધુ શંકાસ્પદોની મોડી રાત્રે પૂછપરછ
ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે રાજ્યવ્યાપી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગૃહ વિભાગના આદેશ બાદ ભાવનગર પોલીસ પણ એક્શન મોડમાં આવી ગતરોજ મોડીરાત્રીના 25થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓને દસ્તાવેજી ચકાસણી માટે પૂછપરછ અર્થે બોલાવવામાં આવ્યા હતા. જોકે, પોલીસ દ્વારા કરાયેલી વિગતવાર તપાસ અને દસ્તાવેજોના વેરિફિકેશન દરમિયાન કોઈપણ વ્યક્તિ સામે બાંગ્લાદેશી હોવાના આધારભૂત પુરાવા મળ્યા ન હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું. ગઈકાલે મોડી રાત્રિએ ભાવનગર પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો
સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડવા માટે ગૃહ વિભાગના આદેશથી મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિત સમગ્ર રાજયમાં પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. જે ઓપરેશન અંતર્ગત ગઈકાલે મોડી રાત્રિએ ભાવનગર પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આશરે 25થી વધુ શંકાસ્પદ લોકોને પૂછપરછ માટે એસપી કચેરીએ લાવવામાં આવ્યા હતા. જોકે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરતા કોઈ પુરાવા મળી આવેલ ન હતા. 25 શંકાસ્પદ લોકોને દસ્તાવેજી પુરાવા સાથે બોલાવવામાં આવ્યા
આ બનાવ અંગે ભાવનગર જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય જણાવ્યું હતું કે, ગતરોજ ભાવનગર શહેર તેમજ જિલ્લામાં બાતમી મળેલ કે કોઈ બાંગ્લાદેશી શખસો ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે. જે મામલે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ પેરેલો ફ્લો સ્કોડની ટીમ દ્વારા ગત રોજ શહેરના ગંગાજળિયા પોલીસ મથક અને નિલમબાગ પોલીસ મથક વિસ્તારમાંથી તેમજ જિલ્લા તાલુકાના પોલીસ મથક વિસ્તારમાંથી 25 શંકાસ્પદ લોકોને દસ્તાવેજી પુરાવા સાથે બોલાવવામાં આવ્યા હતા જેમાં પોલીસ દ્વારા દસ્તાવેજી પુરાવાની ચકાસણી કરતા કોઈ આધારભૂત બાંગ્લાદેશી પુરાવા મળી આવ્યા ન હતા. આ સાથે વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગર શહેર તેમજ જિલ્લામાં કોઈ બાંગ્લાદેશી કે કોઈ શંકાસ્પદ ઈસમો મળી આવે તો જિલ્લા પોલીસવડા તેમજ જેતે પોલીસ મથકને જાણ કરવા જાહેર જનતાને અપીલ કરી હતી.
Read Original Article →