લોખંડના પાઇપ અને ધોકા સાથે પરિવાર પર તૂટી પડ્યા:ઘોઘારોડ કૈલાશ સોસાયટીમાં ઠપકા આપ્યાની દાઝમાં માતા, પુત્ર-પુત્રી પર હુમલો, 5 સામે નોંધાઇ ફરિયાદ
ભાવનગરના ઘોઘારોડ પર આવેલી કૈલાશ સોસાયટીમાં ગતરોજ(9 જૂન) રાત્રે આશરે 10:30 વાગ્યે ઠપકો આપ્યાની જૂની અદાવત રાખીને પાંચ શખ્સોએ એક જ પરિવારના માતા, પુત્ર અને પુત્રી પર લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનામાં ઘવાયેલા ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે ભરતનગર પોલીસે પાંચેય હુમલાખોરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘરે ઠપકો આપવા ગયાની દાઝ હુમલાખોરોએ મનમાં રાખી
બનાવની વિગત મુજબ, કૈલાશ સોસાયટીના પ્લોટ નંબર 56માં રહેતા અને કડીયા કામ કરતા 21 વર્ષીય હરેશ ભરતભાઇ દિહોરાએ આ અંગે ભરતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગતરોજ સાંજે છ વાગ્યાના અરસામાં હરેશભાઇ, તેમના માતા નંદુબેન અને બહેન સુમિતાબેન ઘરે હાજર હતા. તે સમયે નજીકમાં જ રહેતા પ્રવીણ ગોવિંદભાઇ દિહોરા ત્યાં આવ્યા હતા અને હરેશભાઈની બહેન એકલી હોય ત્યારે બોલાચાલી કરીને ચાલ્યા ગયા હતા. આ બાબતે માતા નંદુબેન પ્રવીણના ઘરે ઠપકો આપવા ગયા હતા, જેની દાઝ હુમલાખોરોએ મનમાં રાખી હતી. લોખંડના પાઇપ અને ધોકા સાથે પરિવાર પર તૂટી પડ્યા
આ જૂની અદાવતનો ખાર રાખીને રાત્રે સાડા દસ વાગ્યે પ્રવીણ દિહોરા, રાજુ ગોવિંદભાઇ દિહોરા અને મહેન્દ્ર જીવરાજભાઈ દિહોરા લોખંડના પાઇપ સાથે હરેશભાઈના ઘરે ધસી આવ્યા હતા. 'તમે કેમ મારા ઘરે ઠપકો આપવા આવ્યા હતા?' તેમ કહીને ત્રણેય શખ્સોએ ગાળો આપી હરેશભાઈ તથા તેમના માતાને માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન માતા અને બહેન વચ્ચે પડતાં, તેમની સાથે આવેલા અન્ય બે શખ્સો અમિત હરેશભાઇ ઢાપા અને અભય હરેશભાઇ ઢાપાએ લાકડાના ધોકા વડે હુમલો કરી નંદુબેન તથા સુમિતાબેનને મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી. પાંચેય હુમલાખોરો સામે ગુનો નોંધાયો
હુમલો કર્યા બાદ પાંચેય શખ્સોએ 'હવે પછી જો અમારા ઘરે ઠપકો આપવા આવશો તો જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ જતાં તમામ હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ભરતનગર પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે પાંચેય આરોપીઓ સામે બી.એન.એસ. (BNS) કલમ 118(1), 115, 352, 351(3), 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
Read Original Article →