આનંદનગર રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે શખસ ઝડપાયો:ડબલ થાંભલા પાસે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 336 બોટલ જપ્ત, 25 હજારનો મુદ્દામાલ કબજે કરાયો
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમ સીટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસ સ્ટાફને ખાનગી રાહે એક ચોક્કસ બાતમી મળી હતી કે, આનંદનગર રોડ પર આવેલા ડબલ થાંભલાની સામેની ગલીમાં રહેતો જતીન રાઠોડ નામનો ઇસમ પોતાના રહેણાંક મકાનમાં બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવીને તેનું વેચાણ કરે છે. દારૂની 336 બોટલ LCBએ જપ્ત કરી
બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે તાકીદે આનંદનગર રોડ પર આવેલા ઉક્ત મકાનમાં રેઇડ પાડી હતી. તપાસ દરમિયાન મકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી કુલ 336 બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી આરોપી જતીન ઉર્ફે પિન્ટુ અશોકભાઈ રાઠોડ (ઉંમર વર્ષ 30) ની અટકાયત કરી હતી. ઝડપાયેલા મુદ્દામાલની વિગત:
વોડકા: 96 બોટલ (કિંમત ₹14,400)
વોડકા: 48 બોટલ (કિંમત ₹3,216)
એપલ વોડકા: 192 બોટલ (કિંમત ₹7,680)
કુલ મુદ્દામાલ: 336 બોટલ, જેની કુલ કિંમત ₹25,296 થાય છે. પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ
એલ.સી.બી. પોલીસે દારૂના આ તમામ જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી છે. આ બનાવ અંગે આરોપી વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારાની અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં અન્ય કોણ સંડોવાયેલું છે, તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Read Original Article →