માત્ર ફોટા પડાવવા ખાતર વૃક્ષારોપણ ન કરો:અગ્રણી ઉદ્યોગપતિનો પર્યાવરણ પ્રેમ : દેવેનભાઈ શેઠે રોજ જાતે ટેમ્પો ચલાવી રોપાને પાણી પાઈ ભાવેણાને બનાવ્યું રાજ્યનું બીજા નંબરનું હરિયાળું શહેર
5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિન તરીકે સમગ્ર જગતમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણની ઉજવણી કરવામાં આવશે. જોકે, વર્તમાન સમયમાં આપણે વૃક્ષારોપણને બહુ સંકુચિત અર્થમાં સીમિત કરી દીધું છે. માત્ર એક છોડ વાવી દેવાથી કે ફોટા પડાવી લેવાથી જવાબદારી પુરી થતી નથી. છોડને મોટું વૃક્ષ બનવા માટે પુરા 4 વર્ષ સુધી નિયમિત પાણી, ખાતર અને દવાનો છંટકાવ કરીને માવજત કરવી પડે છે. ભાવનગરની ગ્રીનસીટી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા છેલ્લા 14 વર્ષોથી આ કામ અવિરતપણે અને નિઃસ્વાર્થ ભાવે કરી રહી છે. આ જ દ્રઢ સંકલ્પના કારણે આજે ભાવનગર સમગ્ર ગુજરાત રાજ્યમાં બીજા નંબરનું સૌથી હરિયાળું શહેર બનવાનું ગૌરવ પ્રાપ્ત કરી શક્યું છે. પર્યાવરણ પ્રત્યેના આ અદ્ભુત સેવા યજ્ઞ પાછળ ગ્રીનસીટી સંસ્થાના શેઠ બ્રધર્સવાળા અગ્રણી ઉદ્યોગપતિ દેવેનભાઈ શેઠની ધગશ, કઠોર પરિશ્રમ અને શહેરને હરિયાળું બનાવવાનો મક્કમ ઈરાદો જવાબદાર છે. તેઓ પોતે રોજ સવારે જાતે ટેમ્પો ચલાવીને વૃક્ષોને પાણી પાવા નીકળી પડે છે અને સાંજના સમયે સ્ટાફ દ્વારા કામગીરી યોગ્ય રીતે થઈ છે કે નહીં તેનું જાતે નિરીક્ષણ કરે છે. દિવસ-રાત સતત ડિવાઈડરો અને રોડ પરના વૃક્ષોને પાણી પહોંચાડે છે. નિયમિતપણે શહેરના આશરે 50 જેટલા દત્તક લીધેલા ડિવાઈડરોની સફાઈ કરે છે. આ સમગ્ર સેવાનો માસિક ખર્ચ આશરે 2.5 લાખ રૂપિયા થાય છે. જેમાં સ્ટાફનો પગાર, ટેન્કરનું ડીઝલ અને પાણીના ટાંકા ભરવાનો ખર્ચ શામેલ છે. આ તમામ ખર્ચ દેવેનભાઈ પોતે અંગત રીતે ભોગવે છે, જ્યારે શહેરના અનેક ઉદાર દાતાઓ પણ આ હરિયાળી ક્રાંતિમાં આર્થિક અનુદાન આપી સહભાગી બને છે. સંસ્થા અત્યાર સુધીમાં શહેરમાં 2 લાખ કરતા વધુ વૃક્ષો વાવી તેનો સફળતાપૂર્વક ઉછેર કરી ચૂકી છે. દેવેનભાઈ શેઠના આ કાર્ય માટે સરકાર અને અન્ય સંસ્થાઓ તરફથી અનેક એવોર્ડ પણ મળ્યા છે. 100% યોગદાન આપવાથી સફળતા ચોક્કસ મળે છે મને કોઈ એવોર્ડ મળવા કરતાં રસ્તા પર વૃક્ષોને મોટા થતા જોવામાં વિશેષ આનંદ અને સંતોષ મળે છે. ઈશ્વરે આ પવિત્ર કાર્ય માટે મારી પસંદગી કરી છે તેનો મને ગર્વ છે. કર્મ એ જ ધર્મ છે અને માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. કોઈપણ કાર્યમાં જો તમે તમારું 100 ટકા યોગદાન આપશો તો સફળતા અવશ્ય મળશે. નાગરિકોને મારી અપીલ છે કે વૃક્ષારોપણ કરો તો તે વૃક્ષ ન બને ત્યાં સુધી ઉછેરની જવાબદારી પોતાના શિરે લો. > દેવેનભાઈ આર. શેઠ, માનદ ટ્રસ્ટી, ગ્રીનસીટી ચે.ટ્રસ્ટ,
Read Original Article →