99 વીજચોરોને 56.65 લાખનો દંડ:વીજદરોડા : ભાવનગરમાં ત્રણ દિવસમાં વીજચોરીનો આંકડો ₹1.10 કરોડને પાર
PGVCL ભાવનગરના મહુવા ડિવિઝનમાં વીજચોરીના દૂષણને ડામવા માટે આજે PGVCL અને જી.યુ.વી.એન.એલ.ની 44 ટીમે આજે મહુવા ડિવિઝન નીચેના જુદા જુદા વિસ્તારોમાં મેગા ડ્રાઈવ કરી હતી. જેમાં વીજતંત્રે કુલ 602 કનેક્શનોની સઘન ચકાસણી હાથ ધરી હતી, જેમાં 99 સ્થાનો પર ગેરરીતિ અને વીજચોરી પકડી પાડીને કુલ રૂ.56.65 લાખનો દંડ ફટકારાયો હતો. મહુવા ડિવિઝન નીચેના મહુવા, બગદાણા, જેસર અને નેસવડ પંથકના વિસ્તારોમાં PGVCLની કોર્પોરેટની 14, GUVNLની 12 અને સ્થાનિકની 18 ટીમો મળી કુલ 44 ટીમોના જંગી કાફલા સાથે ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. ચેકિંગ ડ્રાઇવ દરમિયાન કુલ 602 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 573 રહેણાંક, 25 વાણિજ્ય અને 4 કૃષિ શ્રેણીના જોડાણોનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન 95 રહેણાંક, 3 વાણિજ્ય તથા 1 કૃષિ શ્રેણીના મળીને કુલ 99 ગ્રાહકોને વીજચોરી કરતા ઝડપી લીધા હતા. PGVCL મહુવા ડિવિઝન નીચેના વિસ્તારોમાં બગદાણા, મહુવા-1, મહુવા-2, નેસવડ રૂરલ અને જેસર સબ ડિવિઝનમાં આવતા મહુવા શહેર, ઘાંટરવાળા, કુંઢડા, તાંતણિયા, ફિફાદ, જેસર, ઘોબા પટ્ટી, બીલા, કાટકડા, રાણીવાડા, નેસવડ અને કુંભણ ગામમાં વીજ ચેકિંગની કાર્યવાહી કરાઈ હતી. PGVCL ભાવનગર સર્કલ હેઠળના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસની કાર્યવાહીમાં પ્રથમ દિવસે ભાવનગર ડિવિઝનમાં રૂ.18.72 લાખ, બીજા દિવસે પાલિતાણા ડિવિઝનમાં રૂ.34.70 લાખ અને આજે ત્રીજા દિવસે મહુવા ડિવિઝનમાંથી 56.65 લાખની વીજચોરી ઝડપાઇ છે.નેસવડ ગામે રહેણાંકી મકાનમાં 7 કીલો વોટનું જોડાણ પકડાતા સાત લાખનો આકરો દંડ ફટકારાયો હતો.
Read Original Article →