40% ક્રેડિટ ટ્રાન્સફરથી હરીફ દેશો આઉટ થશે:ક્રેડિટ નોટ પોલિસી ગેમ ચેન્જર : ગ્લોબલ શિપ માલિકો હવે અલંગ તરફ આકર્ષાશે

Gujarat6/5/2026, 12:32:01 AM
ભારત સરકાર દ્વારા શિપ રીસાયકલિંગ અને શિપ બિલ્ડિંગ ઉદ્યોગને બૂસ્ટર ડોઝ આપવા માટે જાહેર કરાયેલી ક્રેડિટ નોટ પોલિસી હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે. ગ્રીન શિપ રીસાયકલિંગ ક્ષેત્રે વિશ્વભરમાં ડંકો વગાડનાર અલંગ યાર્ડ તરફ હવે વૈશ્વિક શિપ માલિકો આકર્ષાઈ રહ્યા છે. તાજેતરમાં જ અલંગ ખાતે ભંગાયેલા બેલા નામના જહાજ માટે દેશની સૌપ્રથમ ક્રેડિટ નોટ ઈશ્યૂ કરવામાં આવી છે, જે આ નવી નીતિ અંતર્ગત ભારતનો પ્રથમ ઐતિહાસિક વ્યવહાર છે. આ સફળતા બાદ વૈશ્વિક સ્તરે હલચલ મચી ગઈ છે. આ પોલિસી અંતર્ગત જો કોઈ વિદેશી કે દેશી શિપ માલિક પોતાનું જૂનું જહાજ ભંગાણાર્થે ભારતના અલંગ યાર્ડમાં મોકલે, અને તે માલિક ભારતમાં જ પોતાનું નવું જહાજ બનાવવા ઈચ્છે, તો તેને ભંગાણાર્થે મોકલાયેલા જહાજના મૂલ્યની 40 ટકા સુધીની ક્રેડિટ મળે છે. આ ક્રેડિટનો ઉપયોગ તેઓ નવા જહાજના નિર્માણ ખર્ચમાં કરી શકે છે. સરકારે આ નીતિને વધુ આકર્ષક બનાવવા માટે મોટો સુધારો પણ કર્યો છે. જો મૂળ શિપ માલિક ભારતમાં નવું જહાજ બનાવવા ન માંગતો હોય, તો તે આ ક્રેડિટ નોટ અન્ય કોઈ ત્રાહિત પક્ષને વેચી કે પાસઓન કરી શકે છે. આ સુધારાથી વૈશ્વિક સ્તરે આ પોલિસીની ડિમાન્ડ રોકેટ ગતિએ વધી છે. આ પોલિસીથી એક અનોખું સર્ક્યુલર ઇકોનોમી મોડલ ઊભું થશે. અલંગમાં જહાજો ભંગાશે, જેમાંથી નીકળતું સ્ક્રેપ સ્ટીલ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વપરાશે. સાથે જ, ક્રેડિટ નોટનો ઉપયોગ કરવા માટે વૈશ્વિક કંપનીઓ ભારતીય શિપયાર્ડ્સને નવા જહાજો બનાવવાના ઓર્ડર આપશે. પરિણામે, સ્થાનિક સ્તરે હજારો રોજગારીની નવી તકો ઊભી થશે અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત શિપ બિલ્ડિંગ ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બનશે. એક્સપર્ટ | ક્રેડિટ નોટ પોલિસી હરીફોને હંફાવશે અત્યાર સુધી સસ્તા લેબર અને હરીફાઈને કારણે બાંગ્લાદેશ (ચિત્તાગોંગ) અને પાકિસ્તાન (ગદાણી) ભારતના અલંગ યાર્ડને ટક્કર આપતા હતા. પરંતુ ભારતની આ ક્રેડિટ નોટ પોલિસી સામે હવે પાડોશી દેશો લાચાર બન્યા છે. 40% ક્રેડિટ ટ્રાન્સફરની સુવિધા વૈશ્વિક માલિકોને કરોડો ડોલરની બચત કરાવે છે, જે બાંગ્લાદેશ કે પાકિસ્તાન આપી શકે તેમ નથી. > આશિતભાઇ, પરિખ, શિપિંગ ઉદ્યોગકાર 2500 જેટલા જહાજો આયુષ્ય વટાવી ગયા છે ગ્લોબલ મેરિટાઇમ રિપોર્ટ્સ અનુસાર, હાલમાં વિશ્વભરમાં અંદાજે આશરે 2,500 થી 3,000 જેટલા મોટા જહાજો એવા છે જે પોતાની નિર્ધારિત વયમર્યાદા (આયુષ્ય) વટાવી ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય નિયમો કડક થતાં આ જહાજોને સ્ક્રેપ કરવા ફરજિયાત બનશે. ભારત આ વિશાળ માર્કેટને ક્રેડિટ નોટ પોલિસીના જોરે અલંગ તરફ વાળી શકે છે.
Read Original Article →