ચોરી:સિહોર ગોડાઉનમાંથી 70 હજારની કિંમતના 140 કિલો તાંબાની ચોરી
સિહોર તાલુકામાં ગૌતમેશ્વર રોડ પર સાકરધામ સામે આવેલા પતરાના ગોડાઉનમાં રાત્રિના અંધકારનો લાભ લઈ અજાણ્યા તસ્કરોએ તાંબાની વાડીઓની ચોરી કરી જતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આશરે રૂ.70 હજારના મુદ્દામાલની ચોરી અંગે સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ સિહોર તાલુકાના ઘાંચીવાડા વિસ્તારમાં ઘાંચી જમાતખાના સામે રહેતા બસીરભાઈ ઇબ્રાહીમભાઈ ગોરીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગૌતમેશ્વર રોડ પર સાકરધામ નજીક આવેલ પ્લોટમાં તેમનું પતરાના શેડવાળું ગોડાઉન આવેલું હતું. જ્યાં તેઓ માટી ધોઈને તેમાંમાંથી નીકળતી તાંબાની વાડીઓને ત્રણ બોરીમાં ભરીને રાખી હતી. ઘટનાની રાત્રે અજાણ્યા ઈસમોએ ગોડાઉનની બારીના બોલ્ટ ઢીલા કરી અંદર પ્રવેશ કર્યો હતો. આગલા દિવસે ગોડાઉન પર પહોંચતા ત્રણેય બોરીઓ ગાયબ હોવાનું જણાયું હતું. તપાસ કરતા બારી લટકતી હાલતમાં જોવા મળતા ચોરી થયાની ખાતરી થઈ હતી. તસ્કરો આશરે 140 કિલોગ્રામ તાંબાની વાડીઓ, જેની કિંમત પ્રતિ કિલો ₹500 મુજબ કુલ ₹70 હજાર જેટલી થતી હતી, ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા આરોપીઓની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Read Original Article →