ભર ઉનાળે પાણીના વલખાં:જંબુસરના ડાભા ગામે માટી ખોદકામ કરતી વેળા પાણીની મુખ્ય લાઇન તૂટી
જંબુસર તાલુકાના ડાભા- વાવલી ગામ પાસેના ઇંટોના ભઠ્ઠાના સંચાલકે જેસીબીથી ખોદકામ દરમિયાન પાણીની મુખ્ય લાઇન તોડી નાખતાં હજારો લીટર પાણીનો વ્યય થઇ રહયો છે. જંબુસર તાલુકાના ડાભા વાવલી ગામ પાસે આવેલા ખેતરોમાં ચાલી રહેલી માટી ચોરીનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. અહીં ‘777’ નામના ભઠ્ઠાના માલિક તરફથી કોઈપણ પ્રકારની કાયદેસરની પરવાનગી વગર કુદરતી સંપત્તિની ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી છે. આ આડેધડ ખોદકામ દરમિયાન મુખ્ય મીઠા પાણીની લાઈન પણ તૂટી જવા પામી છે. જેના કારણે હજારો લિટર પાણીનો વ્યય થયો છે. ખનન સ્થળ પર 1 જેસીબી, 3 ટ્રેક્ટરો અને અનેક ટ્રકો મારફતે રાત-દિવસ માટી ઉલેચવામાં આવી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે, આ ભારે વાહનો ચલાવવા માટે સગીર વયના યુવકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભઠ્ઠાના માલિકો પોતાના નફા માટે આ માસૂમ બાળકો અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આ બાબતે જ્યારે સ્થળ પર હાજર શખ્સોને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. સગીર વયના ડ્રાઇવરો દ્વારા જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ રહેશે સહીતના સવાલો સ્થાનિકો ઉઠાવી રહયાં છે. બીજી તરફ પાણીની લાઇન તૂટી જવાના કારણે રોજનું હજારો લીટર પાણી વેડફાઇ રહયું છે. લાઇન તૂટવાના કારણે આસપાસ આવેલાં ગામોના લોકોને ભર ઉનાળે પાણી માટે વલખા મારવા પડી રહયાં છે.
Read Original Article →