વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર જર્જરિત, દર્દીઓ જીવના જોખમે:10 દિવસમાં સ્થળાંતર નહીં તો તાળાબંધીની ચીમકી
વાલિયા: વાલિયા તાલુકાનું મુખ્ય સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેની જર્જરિત ઇમારતને કારણે ફરી ચર્ચામાં આવ્યું છે. સ્થાનિક આગેવાનોના આક્ષેપ મુજબ, અહીં ફરજ બજાવતા ડોકટરો, સ્ટાફ અને સારવાર માટે આવતા દર્દીઓ જીવના જોખમે આરોગ્ય સેવાઓ મેળવવા મજબૂર છે. તાજેતરમાં ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવા, તાલુકા પંચાયતના સભ્ય બિપિન વસાવા અને યુથ પાવર સંગઠનના આગેવાનોએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે ડોક્ટર ચેમ્બર, સારવાર રૂમ, લેબોરેટરી, દર્દી વોર્ડ, ડિલિવરી વોર્ડ અને ઓપરેશન થિયેટર સહિતના વિભાગોમાં ગંભીર બિસ્મારી જોઈ હતી. અનેક જગ્યાએ દિવાલો અને છતની સ્થિતિ જોખમી જણાઈ હતી, જ્યારે કેટલાક સાધનો ધૂળ ખાતા જોવા મળ્યા હતા. વાલિયા-નેત્રંગ માર્ગ પર આવેલી આ હોસ્પિટલ હેઠળ ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 30 આયુષ્યમાન આરોગ્ય મંદિરો કાર્યરત છે. આગેવાનોએ જણાવ્યું કે અગાઉ હોસ્પિટલની ખરાબ હાલત અંગે વીડિયો વાયરલ થયા બાદ તેને અન્ય સ્થળે ખસેડવામાં આવી હતી, પરંતુ થોડા સમય પછી ફરીથી જર્જરિત ઇમારતમાં જ કામગીરી શરૂ કરી દેવાઈ હતી. જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવાએ હોસ્પિટલને તાત્કાલિક સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની માંગ સાથે આરોગ્ય તંત્રને 10 જૂન સુધીનો સમય આપ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે જો નિર્ધારિત સમયમર્યાદામાં કોઈ કાર્યવાહી નહીં થાય, તો લોકહિતમાં હોસ્પિટલ ખાતે તાળાબંધી કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. સ્થાનિકોમાં પણ હોસ્પિટલની હાલત અંગે વ્યાપક ચિંતા જોવા મળી રહી છે. દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર તાત્કાલિક અને કાયમી પગલાં ભરે તેવી માંગ ઉઠી રહી છે.
Read Original Article →