સ્ટાફ, દર્દીઓ તથા તેમની સાથે આવતાં લોકોનો જીવ જોખમમાં‎:વાલિયાના આરોગ્ય કેન્દ્રની ર્જજરિત છતના પોપડા ખર્યા, ગંદકીનો માહોલ

Gujarat6/5/2026, 12:00:00 AM
સ્ટાફ, દર્દીઓ તથા તેમની સાથે આવતાં લોકોનો જીવ જોખમમાં‎:વાલિયાના આરોગ્ય કેન્દ્રની ર્જજરિત છતના પોપડા ખર્યા, ગંદકીનો માહોલ
આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં વાલિયા તાલુકામાં આવેલું સામુહિક આરોગ્ય કેન્દ્ર જર્જરિત હાલતમાં સ્ટાફ, દર્દીઓ તથા તેમની સાથે આવતાં લોકોના માથે જોખમ હોવા છતાં ઇમારત નવી બનાવવામાં આવતી નથી. હોસ્પિટલને અન્યત્ર ખસેડવામાં આવી હતી પણ ફરીથી જુના સ્થળે કાર્યરત કરાતાં લોકોના માથે ફરી જોખમ ઉભું થયું છે. 10 જૂન સુધીમાં હોસ્પિટલને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવામાં નહિ આવે તો આમ આદમી પાર્ટીએ આંદોલનની ચીમકી આપી છે. હાલ ઇમારતની છતના પોપડા ખરી રહયાં છે. વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર હેઠળ ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 30 આયુષ્યમાન આરોગ્ય મંદિરો કાર્યરત છે. અગાઉ પણ હોસ્પિટલની જર્જરિત સ્થિતિનો વીડિયો યુથ પાવર સામાજિક સંગઠન દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ થોડા સમય માટે હોસ્પિટલને અન્યત્ર ખસેડવામાં આવી હતી, પરંતુ ફરીથી તે જ જર્જરિત ઇમારતમાં આરોગ્ય સેવાઓ શરૂ કરાઈ હોવાનું જણાવાયું છે. હાલ આ ઇમારતમાં હોસ્પિટલનો સ્ટાફ અને સારવાર લેવા માટે આવતાં દર્દીઓના માથે જોખમ રહેલું છે. જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા, તાલુકા પંચાયત સભ્ય બિપિન વસાવા તેમજ યુથ પાવરના આગેવાનો વિનય વસાવા, વિજય વસાવા, ધર્મેશ વસાવા અને વિજય વસાવાએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ડોક્ટર ચેમ્બર, સારવાર રૂમ, લેબોરેટરી, દર્દી વોર્ડ, ડિલિવરી વોર્ડ અને ઓપરેશન થિયેટર સહિતના વિભાગો અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળ્યા હતા. આરોગ્ય કેન્દ્રની તાળાબંધી કરવામાં આવશે ચાર મહિના અગાઉ સરકારી દવાખાનાની પરિસ્થિતી ને લઈને વિડીયો બનાવી તંત્રની આખ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે થોડા દિવસ બંધ કરીને એલોકોએ ફરી ચાલુ કર્યું હતું. અમે સ્થળ મુલાકાત કરી ત્યારે અહિયાં ગંદકી અને સ્લેબ પણ તૂટી પડે તેવી સ્થિતિ છે. આવતી 10મી જૂન સુધી પગલાં નહીં લેવાય તો અમને તાળાબંધી કરવાની ફરજ પડશે. - રજની વસાવા, જિલ્લા પંચાયત સભ્ય
Read Original Article →