ગરમ સૂકા પવનોના કારણે તાપમાનમાં વધારો:43‎ ડિગ્રી સાથે સોમવાર ઉનાળાનો સૌથી ગરમ દિવસ‎

Gujarat5/12/2026, 1:56:45 AM
ગરમ સૂકા પવનોના કારણે તાપમાનમાં વધારો:43‎ ડિગ્રી સાથે સોમવાર ઉનાળાનો સૌથી ગરમ દિવસ‎
ભરૂચ શહેર તથા જિલ્લામાં ગરમ સુકા પવનોના કારણે તાપમાનમાં વધારો થઇ રહયો છે. રવિવારના રોજ 44 ડિગ્રી તાપમાન સાથે અંકલેશ્વર સૌથી ગરમ શહેર રહયું હતું. સોમવારના રોજ 43 ડિગ્રી સાથે ભરૂચ સૌથી ગરમ શહેર બન્યું હતું. છેલ્લા 2 વર્ષમાં ભરૂચના તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો જોવા મળી રહયો છે. બે વર્ષ પહેલાં મે મહિનામાં જયાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેતું હતું ત્યાં હવે તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આગામી દિવસોમાં હીટવેવની આગાહી હોવાથી લોકોને સાવચેતીના પગલાં ભરવા તાકીદ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં કાળઝાળ ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. સોમવારે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જતાં મે મહિનાનો અત્યાર સુધીનો સૌથી વધુ ગરમ દિવસ રહ્યો હતો. ગરમી વધતા લોકો લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અને આગામી 16 મે સુધી તાપમાન વધીને 44 ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના છે. તેથી હીટવેવ જેવી અસર થવાની પણ સંભાવના સેવાઈ રહી છે. ભાસ્કર એક્સપર્ટ | હીટ ડોમના કારણે દર વર્ષે ગરમીની માત્રામાં વધારો થઇ રહ્યો છે 16 મે સુધી 43 થી 44 ડિગ્રી જેટલું તાપમાન યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હીટ ડોમ અને ગરમ સૂકા પવનોને કારણે લોકોમાં તકલીફ વધી રહી છે. ખેતી પાક, પશુધન તેમજ સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની ભીતિ રહેલી છે. હીટ ડોમના કારણે ગરમીનું પ્રમાણ વધી રહયું છે. હીટડોમની વાત કરવામાં આવે તો હવામાનની એક એવી સ્થિતિ છે જેમાં વાતાવરણમાં ઉચ્ચ દબાણ પેદા થવાને કારણે ગરમ હવા એક ચોક્કસ વિસ્તારમાં "કેદ" થઈ જાય છે. તેને સરળ ભાષામાં સમજીએ તો, જાણે કોઈ ગરમ તપેલી પર ઢાંકણ ઢાંકી દીધું હોય અને ગરમી બહાર નીકળી ન શકે, તેવી જ હાલત પૃથ્વીના તે ભાગમાં થાય છે. - ડો.વી.બી.વિરાણી, વૈજ્ઞાનિક, નવસારી કૃષિ યુનિવર્સિટી, ભરૂચ ગરમીથી રક્ષણ માટે બપોરે 11થી 4 દરમિયાન ઘરમાં જ રહેવું હિતાવહ રહેશે પિયત માત્ર વહેલી સવારે અથવા રાત્રે કરવું, જમીનમાં ભેજ જળવાઈ રહે તે માટે મલ્ચિંગ કરવું, યુરિયાનો ઉપયોગ ટાળવો, પોટાશયુક્ત ખાતર આપવું, દવાનો છંટકાવ સવાર-સાંજ જ કરવો, બપોરે ખેડ અને કાપણી ટાળવી, બાગાયત માટે કેરી અને કેળના પાકમાં માઈક્રો-સ્પ્રિંકલર નો ઉપયોગ, નર્સરી પર 50 ટકા ગ્રીન શેડ નેટ બાંધવી સ્વાસ્થ્ય માટે બપોરે 11 થી 4 દરમિયાન બહાર નીકળવાનું ટાળવું જોઇએ.
Read Original Article →