પાલેજ પાસે હિટ એન્ડ રનમાં બે સગીરના મોત:ભૂખી ખાડી બ્રિજ નજીક દાદા અને પિતાની નજર સામે માસૂમ કાળનો કોળિયોનો બન્યાં, અજાણ્યો વાહનચાલક ફરાર
ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલા ભૂખી ખાડીના સાંકડા બ્રિજ પાસે એક ગમખ્વાર હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 2 સગીર બાળકોના કરૂણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી ગઈ છે. દાદા અને પિતાની નજર સામે જ 2 માસૂમ બાળકો કાળનો કોળિયો બની જતાં પરિવાર પર વજ્રઘાત થયો છે. વરેડિયાથી ભરૂચ આવતા સમયે અકસ્માત
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભુરમલ વરદીચંદ સોની તેમના પુત્ર અલ્પેશ તથા પૌત્રો મંથન (ઉંમર 6 વર્ષ) અને કૃષ્ણકુમાર (ઉંમર 14 વર્ષ) સાથે વરેડિયા ગામેથી ભરૂચ સ્થિત પોતાના નિવાસે મોટરસાયકલ (નંબર GJ-16-EB-5068) પર જઈ રહ્યા હતા. તે દરમિયાન ભૂખી ખાડીના સાંકડા બ્રિજ નજીક પાછળથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ધસી આવેલા એક અજાણ્યા વાહને મોટરસાઈકલને જોરદાર ટક્કર મારી હતી. બે બાળકોના ઘટનાસ્થળે જ મોત
અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર ચારેય લોકો રોડ પર પટકાયા હતા. જેમાં મંથન અને કૃષ્ણકુમાર અજાણ્યા ભારે વાહનના ટાયર નીચે આવી જતાં બંનેના ઘટનાસ્થળે જ કંપારી છૂટી જાય તેવા મોત નીપજ્યા હતા. જ્યારે બાઇક ચલાવી રહેલા અલ્પેશને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત ભુરમલને પણ શરીરે નાની-મોટી ઈજાઓ થતાં બંનેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અજાણ્યો વાહનચાલક ફરાર
અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ પાલેજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાલેજ પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર વાહનચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →