ગ્રામજનોમાં ફફડાટ:અંકલેશ્વર અવાદર ગામના ફાર્મમાં દીપડાએ વાછરડાનો શિકાર કર્યો
અંકલેશ્વરના અવાદર ગામમાં દીપડાનો આતંક મચાવ્યો છે. ફરી એકવાર તબેલામાં ઘૂસી વાછરડાનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. અવાદર ગા માં દીપડા દ્વારા પશુઓ પર હુમલો અને મારણ કરવાની આ બીજી મોટી ઘટના છે. અગાઉ પણ બરાબર આ જ સ્થળે કાંતિ પટેલના ડેરી ફાર્મ-તબેલા ખાતે દીપડો એક વાછરડી નો શિકાર કર્યો હતો. ટૂંકા ગાળામાં જ બીજી વાર દીપડો એ જ જગ્યાએ ત્રાટક્યો છે અને આ વખતે એક વાછરડાને મોતને ઘાટ ઉતાર્યો છે, જેને પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. ડેરી ફાર્મ અને તબેલામાં ખુલ્લામાં બાંધેલા પશુઓ દીપડા માટે સરળ શિકાર બની જાય છે. એકવાર શિકાર મળ્યા પછી દીપડો વારંવાર એ જ સ્થળ પર આવવાની વૃત્તિ ધરાવે છે. અગાઉ પણ આ પંથકમાં દીપડા દેખાવાની અને પશુઓ પર હુમલાની ઘટનાઓ બની ચૂકી છે.અગાઉ ગોઠવવામાં આવેલા પાંજરામાં 2 દીપડા પાંજરે પુરાઈ ચૂક્યા છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ફાર્મ પર પહોંચી ગઈ હતી. વન વિભાગે મૃત પશુ નું પંચનામું કરી દીપડાના સગડ મેળવવા તજવીજ હાથ ધરી છે. દીપડો ફરીથી શિકારની લાલચે એ જ સ્થળે આવે તેની પૂરેપૂરી શક્યતા હોવાથી ત્યાં તાકીદે પાંજરૂ ગોઠવી દેવામાં આવ્યું છે.
Read Original Article →