ખોડલધામ દશાબ્દિ મહોત્સવનો આમંત્રણ રથ ભરૂચ પહોંચ્યો:ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત, માતાજીની આરતી ઉતારી

Gujarat6/9/2026, 11:14:50 AM
ખોડલધામ દશાબ્દિ મહોત્સવનો આમંત્રણ રથ ભરૂચ પહોંચ્યો:ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત, માતાજીની આરતી ઉતારી
કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને દસ વર્ષ પૂર્ણ થવાના અવસરે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા દશાબ્દિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના આમંત્રણ રથનું ભરૂચ જિલ્લામાં આગમન થતાં ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2017માં ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. દસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાનાર આ વિશેષ દશાબ્દિ મહોત્સવની જાણકારી અને આમંત્રણ રાજ્યના દરેક પરિવાર સુધી પહોંચે તે હેતુસર ગુજરાતને ત્રણ ઝોનમાં વહેંચી અલગ-અલગ આમંત્રણ રથનું આયોજન કરાયું છે. દક્ષિણ ગુજરાત ઝોનનો રથ વાપી, વલસાડ અને નવસારીથી પરિભ્રમણ શરૂ કરીને તાપી અને નર્મદા જિલ્લાઓ બાદ ભરૂચ જિલ્લામાં પહોંચ્યો હતો. ભરૂચ શહેરના ઝાડેશ્વર ગામ, પ્રમુખ પાર્ક રોડ, પટેલનગર, યોગીદર્શન, માનસનગર રોડ તેમજ શ્રીજીદર્શન વિસ્તાર સહિત વિવિધ સોસાયટીઓમાં રથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભક્તોએ માતાજીની આરતી ઉતારી ખોડિયાર માતાની આરાધના કરી હતી. રથના સ્વાગત પ્રસંગે ઝાડેશ્વરના આગેવાનો શૈલાબેન પટેલ અને કૌશિકભાઈ પટેલે માતાજીની આરતી કરીને યાત્રામાં સહભાગી બન્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા સહ-કન્વીનર કાર્તિક ઘશડીયા, જિલ્લા કન્વીનર પિયુષ પટેલ, ઉર્મિબેન વાનાણી તથા સમાજના આગેવાનોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો અને સમાજજનોએ ઉપસ્થિત રહી દશાબ્દિ મહોત્સવના આમંત્રણ રથને આવકાર્યો હતો. રથયાત્રાનું સમાપન ઝાડેશ્વર સ્થિત પાર્ટી પ્લોટ ખાતે માતાજીની મહા આરતી સાથે કરવામાં આવ્યું હતું.
Read Original Article →