વસ્તી ગણતરી-2027 માટે 'સ્વ-ગણતરી' શરૂ:17 થી 31 મે સુધી નાગરિકો ઓનલાઈન વિગતો નોંધાવી શકશે

Gujarat5/19/2026, 12:39:55 PM
વસ્તી ગણતરી-2027 માટે 'સ્વ-ગણતરી' શરૂ:17 થી 31 મે સુધી નાગરિકો ઓનલાઈન વિગતો નોંધાવી શકશે
ભારત સરકાર દ્વારા હાથ ધરાનારી 'જનગણના-2027' અંતર્ગત ગુજરાત રાજ્યમાં 'સ્વ-ગણતરી' પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણેએ જિલ્લાના નાગરિકોને આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરી છે. આ પ્રક્રિયા 17 થી 31 મે દરમિયાન ચાલશે. કલેક્ટર ડો. ગવ્હાણેએ જણાવ્યું હતું કે, જનગણનાથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ સરકાર દ્વારા વિવિધ જનહિતલક્ષી યોજનાઓના આયોજન અને વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે થાય છે. નાગરિકો આગામી 17 મેથી 31 મે, 2026 દરમિયાન ભારત સરકારના સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર જઈને પોતાની તથા પરિવારની વિગતો ઓનલાઈન નોંધાવી શકશે. આ પ્રક્રિયા દિવસના 24 કલાક દરમિયાન ગમે ત્યારે પૂર્ણ કરી શકાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોબાઈલ અથવા કમ્પ્યુટરના માધ્યમથી ઘરે બેઠા જ સરળતાથી સ્વ-ગણતરી કરી શકાય છે અને તેમાં કોઈપણ પ્રકારના દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર નથી. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાગરિકને એક વિશિષ્ટ 'SE ID' જનરેટ થશે, જે તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. આ આઈડી વસ્તી ગણતરીના સત્તાવાર ગણતરીદાર ઘરે આવે ત્યારે દર્શાવવાની રહેશે. કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણેએ પોતાના અનુભવ શેર કરતા જણાવ્યું કે, “મેં પણ મારી સ્વ-ગણતરી ઓનલાઈન પૂર્ણ કરી છે અને પ્રક્રિયા અત્યંત સરળ છે.” જો કોઈ નાગરિકને ઓનલાઈન નોંધણી દરમિયાન મુશ્કેલી જણાય તો ગાંધીનગર કલેક્ટર કચેરીના સ્ટાફનો અથવા સરકારના ટોલ-ફ્રી નંબર 1855 પર સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી શકાશે. અંતમાં, કલેક્ટરે જિલ્લાના તમામ પરિવારોને સાચી અને સચોટ માહિતી આપીને રાષ્ટ્રહિતની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સહભાગી બનવા ફરીથી અપીલ કરી હતી.
Read Original Article →