વિલાયત-સાયખા GIDC માટે નવી બસ સેવા શરૂ:GSRTC દ્વારા જાહેર પરિવહનને પ્રોત્સાહન

Gujarat5/15/2026, 8:28:36 AM
વિલાયત-સાયખા GIDC માટે નવી બસ સેવા શરૂ:GSRTC દ્વારા જાહેર પરિવહનને પ્રોત્સાહન
ભરૂચ જિલ્લાના વિલાયત-સાયખા GIDC વિસ્તારમાં જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર પરિવહનના વધુ ઉપયોગ માટેના આહવાન અને વૈશ્વિક ઇંધણ સમસ્યાને ધ્યાનમાં રાખીને શરૂ કરાઈ છે. વિલાયત-સાયખા GIDC એસોસિયેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ આ રજૂઆતને મંજૂરી મળતા GSRTC દ્વારા બે બસોની ફાળવણી કરવામાં આવી છે. નવી બસ સેવા શરૂ થવાથી GIDCમાં કાર્યરત કર્મચારીઓ, વેન્ડરો તેમજ વિલાયત, ભેરસમ અને સાયખા ગામના ગ્રામજનોને અવરજવર માટે મોટી રાહત મળશે. આ સુવિધાથી ખાનગી વાહનો પરની નિર્ભરતા ઘટશે. જાહેર પરિવહન સુવિધા વધવાથી ટ્રાફિક અને ઇંધણ વપરાશમાં પણ ઘટાડો થશે તેવી અપેક્ષા છે. આ પગલું પર્યાવરણ સંરક્ષણ અને ઇંધણ બચતની દિશામાં પણ મદદરૂપ થશે. GSRTCના ડિસ્ટ્રિક્ટ કંટ્રોલર અધિકારી સંજય જોશીએ જણાવ્યું હતું કે, ડીઝલ-પેટ્રોલની વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે વધુમાં વધુ લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરે તે હેતુથી આ સેવા શરૂ કરવામાં આવી છે. વિલાયત-સાયખા GIDCના પ્રમુખ હરીશ જોશીએ ગુજરાત સરકાર તથા GSRTCનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ઉદ્યોગ વિસ્તાર માટે આ બસ સેવા ખૂબ જ ઉપયોગી અને લાભદાયી સાબિત થશે.
Read Original Article →