આગ લાગી:ઝંઘારની ઇદગાહમાં આગ ભભૂકી, કારણ અકબંધ‎

Gujarat5/12/2026, 2:07:38 AM
આગ લાગી:ઝંઘારની ઇદગાહમાં આગ ભભૂકી, કારણ અકબંધ‎
ભરૂચ જિલ્લાના ઝંઘાર ગામમાં આવેલી ઇદગાહમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આ બનાવે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. આગ લાગતા જ ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સ્થાનિક ગ્રામજનોએ પણ આગ બુઝાવવાની કામગીરીમાં સહયોગ આપ્યો હતો.આગ ઇદગાહ નજીક આવેલા એક કાચા મકાનના વાડા સુધી ફેલાઈ જતા થોડીવાર માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર ટીમની સમયસર કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.ઉલેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી આગ લાગવાના બનાવો બની રહ્યા છે. સામાન્ય રીતે ગરમી વધતા આગ લાગવાના બનાવો બનતા હોય છે ત્યારે સાવધાની રાખવી ખુબ જ જરૂરી બની ગયું છે. તેથી લોકોએ આગ લાગવાના બનાવ નહીં બને તે માટે ખાસ ધ્યાન રાખવાની જરૂર વર્તાઈ રહી છે.
Read Original Article →