ખુશીની ક્ષણો:ચાર વર્ષ પહેલાં મળેલી યુવતીનું પરિવાર સાથે મિલન
ભરૂચના જીએનએફસી બસ સ્ટેન્ડ પાસેથી ચાર વર્ષ પહેલાં ભટકતી હાલતમાં મળી આવેલી યુવતીનું નારી સંરક્ષણ કેન્દ્રએ પરિવાર સાથે મિલન કરાવ્યું છે. યુવતી માનસિક રીતે પરેશાન હાલતમાં જણાતી હોવાથી તેને તાત્કાલિક સુરક્ષિત રીતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મુકવામાં આવી હતી. ભરૂચના નર્મદા ચોકડી નજીક આવેલા જીએનએફસી બસ સ્ટોપ પાસેથી આશરે 26 વર્ષની એક અજાણી યુવતી પોલીસને મળી આવી હતી. યુવતી માનસિક રીતે પરેશાન હાલતમાં જણાતી હોવાથી પોલીસે તેને તાત્કાલિક સુરક્ષિત રીતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મુકવામાં આવી હતી. યુવતીને વધુ સંભાળ અને રક્ષણની જરૂરિયાત જણાઈ હતી. મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત તથા દહેજ પ્રતિબંધક સહ સંરક્ષણ અધિકારી પ્રિતેશ વસાવાના માર્ગદર્શન હેઠળ ભરૂચના નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે તબદિલ કરવામાં આવી હતી. નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે યુવતીની સતત કાઉન્સેલિંગ અને માનસિક સહાય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શરૂઆતમાં યુવતી કોઈ સ્પષ્ટ માહિતી આપી શકતી નહોતી. કેન્દ્રના અધિકારીઓ અને કાઉન્સેલરોએ ધીરજપૂર્વક અને સંવેદનશીલતા સાથે વાતચીત કરી. યુવતીએ ધીમે-ધીમે પોતાના ગામ અંગે માહિતી આપવાનું શરૂ કર્યું હતું. તેની પાસેથી મળેલી માહિતીના આધારે નારી સંરક્ષણ કેન્દ્રના નોડલ એ.એસ. સંગાડા અને તેમની ટીમ તરફથી તપાસ હાથ ધરવામાં આવી હતી. યુવતી દાહોદ વિસ્તારની હોવાથી સ્થાનિક સરપંચનો સંપર્ક કરાયો હતો. ત્યારબાદ યુવતીના પરિવારજનો સુધી માહિતી પહોંચાડવામાં આવી હતી. તેઓ તાત્કાલિક ભરૂચ ખાતે દોડી આવ્યા હતા. અંતે નારી સંરક્ષણ કેન્દ્રના સતત પ્રયાસો અને સંકલનના કારણે 4 વર્ષના લાંબા સમયગાળા બાદ યુવતીનું તેના પરિવાર સાથે ભાવુક મિલન કરાવવામાં સફળતા મળી હતી. પરિવારજનો પોતાની દીકરીને સુરક્ષિત રીતે પરત મળતાં ભાવવિભોર બની ગયા હતાં.
Read Original Article →