જિલ્લા ભાજપના મહામંત્રીના વેવાઇનેકારોબારી અધ્યક્ષ બનાવી દેવાયા:ભરૂચના રાજકારણમાંથી પાટીદારોનો એકડો નીકળી ગયો, ત્રણ લાખ મતદારો
ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની આજે શનિવારના રોજ ચુંટણી યોજવામાં આવશે. ચુંટણીના આગલા દિવસે એટલે કે શુક્રવારના રોજ ઉમેદવારીપત્રો ભરાયાં છે. ભાજપ તરફથી પ્રમુખ પદ માટે રાજપારડી બેઠક પરથી વિજેતા બનેલાં ડિમ્પલ રાજ અને ઉપ પ્રમુખ તરીકે અજીત વસાવાએ ઉમેદવારી નોંધાવી છે. બીજી તરફ 34માંથી 5 બેઠક પર વિજયી બનેલી આમ આદમી પાર્ટી તરફથી પ્રમુખપદ માટે ધારોલી બેઠકના નર્મદા વસાવા અને ઉપપ્રમુખ માટે મૌઝા બેઠકના વિજેતા અનિલ વસાવાએ ઉમેદવારી નોંધાવી છે. પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચાર ઉમેદવારીપત્રો ભરવામાં આવતાં શનિવારના રોજ બપોરે 12 વાગ્યે મળનારી સામાન્યસભામાં મતદાન કરાવવામાં આવશે. ભરૂચ જિલ્લા પંચાયતની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 25 બેઠક પર વિજય મેળવ્યો હતો જયારે એક બેઠક બિનહરીફ વિજેતા થઇ હતી. 34 સભ્યો ધરાવતી ભરૂચ જિલ્લા પંચાયતમાં ભાજપનું સંખ્યાબળ 26, આમ આદમી પાર્ટીનું 5 અને કોંગ્રેસનું 3 છે. 26 બેઠકો સાથે બહુમતી હોવાથી ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખનું વિજેતા બનવું નકકી છે. શનિવારના રોજ જિલ્લા પંચાયત ખાતે ખાસ સામાન્યસભા બોલાવવામાં આવી છે જેમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચુંટણી કરાવવામાં આવશે. ભાજપે પ્રમુખપદ માટે ડીમ્પલ રાજ અને ઉપપ્રમુખ તરીકે અજીત વસાવાના નામનો મેન્ડેટ આપ્યો છે. સામે પક્ષે આમ આદમી પાર્ટીએ પણ બંને પદ માટે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યાં છે. ભરૂચના રાજકારણમાંથી પાટીદારોનો એકડો નીકળી ગયો, ત્રણ લાખ મતદારો ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની રચનાથી લઇ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીમાં પાટીદાર સમાજને અન્યાય થયો હોવાની લાગણી કાર્યકરોમાં પ્રર્વતી રહી છે. ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભામાં 3 લાખ કરતાં વધારે પાટીદાર સમાજના મતદારો હોવા છતાં તેમની સતત અવગણના કરવામાં આવી રહી હોવાનો ગણગણાટ કાર્યકરોમાં ચાલી રહયો છે. હાલમાં નગરપાલિકાઓના પ્રમુખની વરણીઓમાં પણ પાટીદાર સમાજને કોરાણે મુકી દેવામાં આવ્યો હતો. એક સમયે ભરૂચ જિલ્લા ભાજપમાં દબદબો ધરાવતાં પાટીદાર સમાજ હવે હાંસિયામાં ધકેલાઇ ગયો છે. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાડભુત બેઠકના કર્મીશા પટેલનું નામ મોખરે ચાલી રહયું હતું પણ અંતિમ ઘડીએ પ્રદેશમાંથી ડિમ્પલ રાજના નામનો મેન્ડેટ આવ્યો છે. ગત ટર્મમાં પણ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ ઝઘડિયા તાલુકામાં આપવામાં આવ્યું હતું અને આ વખતે પણ ઝઘડિયા તાલુકામાં આપવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા પંચાયતમાં અમારી બહુમતિ છે પાર્ટીના મેન્ડેટ મુજબ બંને પદાધિકારીઓના ઉમેદવારી ફોર્મ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની સત્તાવાર ચૂંટણી પ્રક્રિયા આવતીકાલે પૂર્ણ થશે.ભાજપ જિલ્લા પંચાયતમાં બહુમતી ધરાવતું હોવાથી, આ બંને ઉમેદવારો બિનહરીફ અથવા તો જંગી બહુમતીથી વિજેતા બનશે. > પ્રકાશ મોદી, પ્રમુખ ભરૂચ જિલ્લા ભાજપ જિલ્લા ભાજપના મહામંત્રીના વેવાઇનેકારોબારી અધ્યક્ષ બનાવી દેવાયા ભાજપ ભલે જાહેરમાં સગાવાદનો વિરોધ કરતી હોય પણ અંદરખાને સગાવાદને પ્રોત્સાહન આપતી હોય તેમ લાગી રહયું છે. ભરૂચ જિલ્લા પંચાયતમાં શનિવારે થનારી ચુંટણી પહેલાં ભાજપનો પ્રદેશમાંથી આવેલો મેન્ડેટ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ ગયો છે. જેમાં કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે પ્રવિણ પટેલ, પક્ષના નેતા તરીકે મગન પટેલ અને દંડક તરીકે મહેશ રાઠોડના નામનો ઉલ્લેખ જોવા મળે છે. કારોબારી જેવી મલાઇદાર ગણાતી સમિતિના અધ્યક્ષ તરીકે પ્રવિણ પટેલની વરણી કરવામાં આવી છે. પ્રવિણ પટેલ ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી પરેશ પટેલના વેવાઇ છે. જિલ્લા ભાજપ મહામંત્રીએ તેમના વેવાઇને મલાઇદાર સમિતિના અધ્યક્ષ બનાવી જિલ્લા પંચાયતનું સુકાન પોતાના હાથમાં રાખવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા ભાજપના જ કાર્યકરોમાં ચાલી રહી છે.
Read Original Article →