ભરૂચમાં ઝનોર નદી કિનારે બિનવારસી સાગી લાકડા મળ્યાં:વન વિભાગે 30 નંગ સાગના લાકડાનો જથ્થો કબજે કરી તપાસ શરૂ કરી

Gujarat5/26/2026, 2:37:17 PM
ભરૂચમાં ઝનોર નદી કિનારે બિનવારસી સાગી લાકડા મળ્યાં:વન વિભાગે 30 નંગ સાગના લાકડાનો જથ્થો કબજે કરી તપાસ શરૂ કરી
ભરૂચ જિલ્લામાં વન વિભાગે ગેરકાયદેસર લાકડાના વેપાર સામે કાર્યવાહી કરી છે. બાતમીના આધારે, ભરૂચ વન વિભાગે ઝનોર ગામના નદી કિનારેથી બિનવારસી હાલતમાં પડેલો સાગી લાકડાનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ભરૂચના નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ અને મદદનીશ વન સંરક્ષક, પેટા વન વિભાગની કચેરી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વન વિભાગને બાતમીદારો પાસેથી ફોટા સાથે માહિતી મળી હતી કે ઝનોર ગામના નદી કિનારે સાગના લાકડાનો જથ્થો શંકાસ્પદ હાલતમાં પડ્યો છે. આ બાતમીના આધારે, આરએફઓ રાહુલ વાળા અને દિવ્યાબેન ચૌધરી તેમની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ તપાસ દરમિયાન, નદી કિનારેથી બિનવારસી હાલતમાં આશરે 1.683 ઘન મીટર જેટલા નાના-મોટા કુલ 30 નંગ સાગના લાકડાંનો જથ્થો મળી આવ્યો હતો, જેને ટીમે કબજે કર્યો હતો. વન વિભાગ દ્વારા જપ્ત કરાયેલા આ લાકડાંને ટેમ્પોમાં ભરીને નેત્રંગ સ્થિત વન વિભાગના ડેપોમાં જમા કરવામાં આવ્યા છે. હાલમાં, વન વિભાગે આ લાકડાનો જથ્થો કોનો છે, તે ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર કટિંગ કે હેરફેર સાથે કોઈ સંડોવણી છે કે કેમ તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે. વન વિભાગની આ કાર્યવાહીથી ગેરકાયદેસર લાકડાના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું મનાય છે.
Read Original Article →