ભરૂચના ભોલાવમાં 'એક પેડ મા કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ:બૂથ દીઠ 10 વૃક્ષોના ઉછેરનો સંકલ્પ લેવાયો, સાંસદ મનસુખ વસાવાએ પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો

Gujarat6/10/2026, 3:14:28 AM
ભરૂચના ભોલાવમાં 'એક પેડ મા કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ:બૂથ દીઠ 10 વૃક્ષોના ઉછેરનો સંકલ્પ લેવાયો, સાંસદ મનસુખ વસાવાએ પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો
કેન્દ્ર સરકારના સફળ કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે ભરૂચના ભોલાવ જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં એક વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું અને પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષોના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. "એક પેડ મા કે નામ" અભિયાન બન્યું જનઆંદોલન આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલું "એક પેડ મા કે નામ" અભિયાન આજે દેશવ્યાપી જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં લાખો લોકો પોતાની માતાના સન્માનમાં એક વૃક્ષ વાવી તેની જાળવણી કરવાનો સંકલ્પ લઈ રહ્યા છે. વૃક્ષો માત્ર પર્યાવરણનું સંતુલન જાળવવામાં જ મદદરૂપ નથી બનતા, પરંતુ માનવ જીવનના આરોગ્ય, વિકાસ અને ભવિષ્ય સાથે પણ સીધા જોડાયેલા છે. વધતા પ્રદૂષણ અને વૈશ્વિક તાપમાન (ગ્લોબલ વોર્મિંગ)ની સમસ્યાઓ સામે વૃક્ષો સૌથી અસરકારક ઢાલ સાબિત થઈ શકે છે. દરેક બૂથ દીઠ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે ભોલાવની ટીમ દ્વારા આ આયોજન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રજાતિના વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ દરેક બૂથ દીઠ 8થી 10 વૃક્ષોનું વાવેતર કરીને તેના ઉછેરની જવાબદારી સ્વીકારવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણીય સંતુલન જરૂરી સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિકાસ અને તેના કારણે ઊભા થતા પર્યાવરણીય પડકારો અંગે પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,ભરૂચ જિલ્લો રાજ્યનું એક અગ્રણી ઔદ્યોગિક કેન્દ્ર છે અને અહીં મોટી સંખ્યામાં ઉદ્યોગો કાર્યરત છે. ઔદ્યોગિક વિકાસ જરૂરી છે, પરંતુ તેની સાથે પર્યાવરણનું સંતુલન જાળવવું પણ એટલું જ મહત્વનું છે. ઉદ્યોગોના કારણે સર્જાતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે વૃક્ષારોપણ સૌથી સરળ, સસ્તો અને અસરકારક ઉપાય છે." તેમણે ઉમેર્યું હતું કે પર્યાવરણની રક્ષા માટે ઉદ્યોગો અને સામાન્ય નાગરિકોએ મળીને સંયુક્ત પ્રયાસો કરવા પડશે. જો દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવીને તેનું યોગ્ય જતન કરશે, તો જ આવનારી પેઢીઓને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ મળી શકશે. અગ્રણીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિરલ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ધર્મેશ મિસ્ત્રી, ભોલાવના સરપંચ, ઉપસરપંચ સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ સ્વહસ્તે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
Read Original Article →