ભરૂચ ઝાડેશ્વર પંચાયત બેઠકમાં સભ્ય પર હુમલાનો આરોપ:CCTV ફૂટેજ વાઈરલ થતાં પોલીસે બંને તરફી અરજી લઈ તપાસ શરૂ કરી
ભરૂચના ઝાડેશ્વર ગ્રામ પંચાયતની માસિક સામાન્ય સભામાં વિકાસ કામો અને વહીવટી મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન વિવાદ સર્જાયો હતો. આ બેઠકમાં પંચાયતના એક સભ્ય પર હુમલો થયો હોવાના આક્ષેપો સાથેના સીસીટીવી ફૂટેજ વાઈરલ થયા છે. પોલીસે આ મામલે બંને પક્ષોની અરજીઓ લઈને તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, પંચાયતના કેટલાક સભ્યોએ ગામના વિવિધ પ્રશ્નો અને કથિત ભ્રષ્ટાચારના મુદ્દાઓ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી. આ મુદ્દાઓને લઈને બેઠકમાં ઉગ્ર ચર્ચા થઈ હતી, જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. ચર્ચા દરમિયાન એક સભ્ય સાથે ધક્કામુક્કી અને હુમલો થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં બેઠક સ્થળ નજીક થયેલી બોલાચાલી અને અથડામણના દૃશ્યો જોવા મળે છે. સભ્યોએ મીઠા પાણીની સમસ્યા, પ્રિ-મોન્સૂન કામગીરીની તૈયારીઓ તેમજ અન્ય જાહેર સુવિધાઓના પ્રશ્નોને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા. વિવાદ બાદ કેટલાક સભ્યોએ સક્રિય જનપ્રતિનિધિઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ કર્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનોમાં પણ ચર્ચા જાગી છે. પંચાયતની બેઠકોમાં સુરક્ષા વ્યવસ્થા, સભ્યોને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને લોકશાહી પદ્ધતિથી કામગીરી થવી જોઈએ તેવા મુદ્દાઓ ફરી એકવાર કેન્દ્રસ્થાને આવ્યા છે. ઘટના અંગેનો મામલો ભરૂચના સી ડિવિઝન પોલીસ મથક સુધી પહોંચ્યો છે. પોલીસ દ્વારા બંને તરફી અરજીઓ લઈને પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →