ભરૂચ વોર્ડ 2માં વારંવાર વીજ કાપ:સ્થાનિક આગેવાનોએ વીજ વિભાગને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી

Gujarat5/12/2026, 10:02:56 AM
ભરૂચ વોર્ડ 2માં વારંવાર વીજ કાપ:સ્થાનિક આગેવાનોએ વીજ વિભાગને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી
ભરૂચ શહેરના વોર્ડ નંબર 2 હેઠળ આવતા અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજ પુરવઠાની સમસ્યા જોવા મળી રહી છે. દિવસ અને રાત્રિ દરમિયાન વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકોના રોજિંદા જીવન પર તેની સીધી અસર પડી રહી છે. ઢાંગરાવાડ, મુંડા ફળીયા, ડભોઇયાવાડ, સિંધીવાડ, સુથાર ફળિયું, ડબીપુરા, મદની પાર્ક અને અહમદનગર સહિતના વિસ્તારોમાં દિવસે અનેક વખત વીજળી જતી રહે છે. આના કારણે વેપારીઓ, વિદ્યાર્થીઓ અને વૃદ્ધોને ખાસ કરીને ગરમીના સમયમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રાત્રિના સમયે ડીપીમાં સ્પાર્કિંગ અને આગ લાગવાના બનાવો પણ બની રહ્યા છે. આનાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિકોએ વીજ વિભાગ દ્વારા કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. આ મુદ્દે વોર્ડના આગેવાનો સમશાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સફી સલ્લુ, જાકીર કુરેશી અને ઇકબાલ પટેલે વીજ વિભાગના નાયબ ઇજનેરને લેખિત રજૂઆત કરી છે. તેમણે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી છે અને જો સમસ્યાનો ઝડપી નિકાલ નહીં આવે તો સ્થાનિકો સાથે મળીને ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
Read Original Article →