ભરૂચમાં ગૌવંશ તસ્કરી સામે VHPનો આક્રોશ:કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ
ભરૂચ જિલ્લામાં ગૌવંશ તસ્કરી અને ગેરકાયદેસર કતલખાનાઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના આગેવાનો અને કાર્યકરોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું હતું કે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગૌવંશ તસ્કરી અને ગેરકાયદેસર કતલખાનાઓના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. VHPએ આગામી બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લામાં પણ આવા તત્વો સક્રિય હોવાની શંકા વ્યક્ત કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદે રજૂઆતમાં રાત્રિના સમયે વિશેષ પોલીસ પેટ્રોલિંગ ગોઠવવા, ગેરકાયદેસર કતલખાનાઓને સીલ કરવા, શંકાસ્પદ વિસ્તારોમાં CCTV કેમેરા લગાવવા અને ગૌવંશ તસ્કરીમાં સંડોવાયેલા આરોપીઓ સામે PASA સહિત કડક કાયદાકીય પગલાં ભરવાની માંગ કરી હતી. આ ઉપરાંત, સ્થાનિક સંસ્થાઓ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ હતી. VHP કાર્યકરોએ ચેતવણી આપી હતી કે જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
Read Original Article →