ભરૂચ ડેપો બહાર ST બસનો અકસ્માત:સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા મહિલા મોપેડ ચાલક ઘાયલ

Gujarat5/23/2026, 10:32:26 AM
ભરૂચ ડેપો બહાર ST બસનો અકસ્માત:સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા મહિલા મોપેડ ચાલક ઘાયલ
ભરૂચ શહેરના સીટી સેન્ટર ડેપો બહાર આજે બપોરે એક એસટી બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મોપેડ પર સવાર એક મહિલા ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, સીટી સેન્ટર ડેપોની એસટી બસ ભોલાવ ડેપો તરફ જઈ રહી હતી. બસ ડેપોની બહાર નીકળતા જ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. પરિણામે, બસ રેલ્વે સ્ટેશન તરફ વળવાને બદલે અચાનક રોંગ સાઈડમાં પ્રવેશી ગઈ હતી. આ ઘટનાને કારણે સામેથી આવતા વાહનચાલકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દરમિયાન, સામેથી આવી રહેલી મોપેડ પર સવાર મહિલા બસની અડફેટમાં આવી જતાં અકસ્માત સર્જાયો હતો. મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ બસ ચાલક બસને સ્થળ પર છોડીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે બસનું નિરીક્ષણ કરી ટ્રાફિક જામ ન થાય તે માટે બસને સ્થળ પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટના અંગે ડેપો તંત્ર દ્વારા બસ ચાલકનો જવાબ લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Read Original Article →