શુકલતીર્થમાં જેસીબી ઓપરેટરનું શંકાસ્પદ મોત:FSL રિપોર્ટ બાદ રહસ્ય ખુલશે, પોલીસ તપાસ તેજ
ભરૂચ જિલ્લાના શુકલતીર્થ નજીક નદી કિનારે આવેલી રેતીની લીઝ વિસ્તારમાં જેસીબી ઓપરેટર અફરોઝ અંસારીનું શંકાસ્પદ મોત થયું છે. આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. ગતરોજ અફરોઝના મૃતદેહનું પેનલ ડોકટરોની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરાવી તેના સેમ્પલો વધુ તપાસ માટે સુરત FSL ખાતે મોકલવામાં આવ્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પ્રાથમિક તબક્કે તબીબોએ જેસીબી મશીનના બકેટ (પાવડા) નીચે ગળાનો ભાગ આવી જવાથી અફરોઝનું મોત થયું હોવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. જોકે, ઘટનાનું સાચું કારણ FSL રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. આ મામલે નબીપુર પોલીસે તપાસ વધુ તેજ બનાવી છે. પોલીસે મૃતક સાથે કામ કરતા અન્ય મજૂરો અને કામદારોના નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરી છે, જેથી ઘટનાના દરેક પાસાં સુધી પહોંચી શકાય. ઘટનામાં સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, જ્યારે અફરોઝ મશીન પાસે એકલો જ ઓપરેટર તરીકે હાજર હતો, ત્યારે તે જેસીબીના બકેટ નીચે કેવી રીતે દબાયો? આ સવાલ હાલ સમગ્ર શુકલતીર્થ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અકસ્માત હતો કે અન્ય કોઈ કારણ, તે અંગે લોકોમાં અનેક અટકળો ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ શુકલતીર્થની રેતી લીઝ વિસ્તારમાં અફરોઝ અંસારીનો મૃતદેહ જેસીબી મશીનના પાવડા નીચે દબાયેલ હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં નબીપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.
Read Original Article →