ભરૂચમાં નવો રોડ બન્યાના થોડા દિવસમાં જ ઉખાડાયો:ગટર કામગીરી માટે રોડ તોડતા સ્થાનિકો અને કોર્પોરેટરમાં નારાજગી

Gujarat5/26/2026, 10:02:50 AM
ભરૂચમાં નવો રોડ બન્યાના થોડા દિવસમાં જ ઉખાડાયો:ગટર કામગીરી માટે રોડ તોડતા સ્થાનિકો અને કોર્પોરેટરમાં નારાજગી
ભરૂચના આલી કાછીયાવાડ વિસ્તારમાં તાજેતરમાં બનેલો પેવર બ્લોક રોડ થોડા જ દિવસોમાં ફરીથી ઉખાડી નાખવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 8 હેઠળ આવતા આ વિસ્તારમાં રોડનું કામ પૂર્ણ થયા બાદ ગટરની કામગીરી માટે તેને તોડી પાડવામાં આવ્યો હતો. રહીશોએ પાલિકા તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. સ્થાનિક કોર્પોરેટર જીગ્નેશ બ્રહ્મભટ્ટ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે વિકાસના કામોમાં યોગ્ય આયોજનના અભાવે સરકારી નાણાંનો બગાડ થઈ રહ્યો છે, જેનો ભોગ સામાન્ય નાગરિકો બની રહ્યા છે. આ મામલો સામે આવતા ભરૂચ નગરપાલિકાનું વહીવટી તંત્ર સક્રિય બન્યું હતું. લાંબા સમયથી અટવાયેલી ગટરની કામગીરી તાત્કાલિક શરૂ કરાવી કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત પૂર્ણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કોર્પોરેટર જીગ્નેશ બ્રહ્મભટ્ટે વધુમાં જણાવ્યું કે પાલિકા તંત્ર હવે સક્રિય બન્યું છે. તેમણે રોડ તોડવાથી થયેલા નુકસાન અંગે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરી નુકસાનની રકમ વસૂલ કરવાની પણ માંગ કરી છે.
Read Original Article →