કરોડોનો STP પ્રોજેક્ટ સફેદ હાથી સાબિત થયો:ભરૂચમાં 10 વર્ષ બાદ પણ ભૂગર્ભ ગટર યોજના અધૂરી, ઉદ્યોગ સાથે પાણી વેચાણના એેકેય MOU નહીં
ભરૂચ શહેરમાં એક દાયકા પહેલા શરૂ કરાયેલી ભૂગર્ભ ગટર યોજના આજે પણ પૂર્ણ થઈ નથી. શહેરના આધુનિક વિકાસ અને સ્વચ્છતા માટે અત્યંત મહત્વની ગણાતી આ યોજના 10 વર્ષ બાદ પણ અધૂરી રહેતા સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કરોડોના ખર્ચે બનેલા સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) થી આવક વધારવાના પાલિકાના દાવાઓ હાલ પોકળ સાબિત થઈ રહ્યા છે. એક પણ ઉદ્યોગ સાથે હજુ સુધી પાણી વેચાણ માટેના MOU થયા નથી. પ્રોજેક્ટનો ઈતિહાસ અને હેતુ
વર્ષ 2013-14 દરમિયાન આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2017માં GUDC (ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન) દ્વારા ભરૂચમાં STP સ્થાપવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના ગંદા પાણીને શુદ્ધ કરી તેને ઉદ્યોગોને વેચવાનો હતો, જેથી ભરૂચ નગરપાલિકાને આવકનો નવો અને કાયમી સ્ત્રોત મળી રહે. કાગળ પરની આવક અને વાસ્તવિકતા
વર્ષ 2024માં નાહિયેર ખાતે આયોજિત સભામાં આ પ્લાન્ટ કાર્યરત થયો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. તે સમયે પ્રોજેક્ટને પાલિકાની આર્થિક સ્થિતિ મજબૂત કરનાર ગણાવ્યો હતો. જોકે, વાસ્તવિકતા એ છે કે અત્યાર સુધી એક પણ ઉદ્યોગ સાથે પાણી વેચાણ માટેના MOU (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) થયા નથી. આ આયોજનના અભાવે પ્રોજેક્ટની ઉપયોગિતા સામે સવાલો ઉઠી રહ્યા છે. પાણીનો બગાડ અને ભવિષ્યનું સંકટ
સ્થાનિક સ્તરે એવા આક્ષેપો થઈ રહ્યા છે કે શુદ્ધ કરેલું લાખો લિટર પાણી કોઈ ઉપયોગમાં ન આવતા તેને સીધું નદીમાં વહાવી દેવામાં આવે છે. આ ઉપરાંત, વર્ષ 2028માં ખાનગી કોન્ટ્રાક્ટરની મુદત પૂર્ણ થશે, ત્યારબાદ આ વિશાળ પ્લાન્ટના સંચાલન અને જાળવણીનો લાખોનો ખર્ચ નગરપાલિકાના માથે આવશે તેવી ભીતિ સેવાઈ રહી છે. રાજકીય અને વહીવટી પ્રતિક્રિયા
પૂર્વ વિપક્ષી નેતા સમસાદઅલી સૈયદે આ મુદ્દે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ઉદ્યોગોને પાણી વેચીને આવક વધારવાનો આખો પ્રોજેક્ટ માત્ર કાગળ પર હોય તેવું જણાય છે અને વહીવટી તંત્ર પાસે આ બાબતે કોઈ નક્કર આયોજન નથી. બીજી તરફ, નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે, GUDC દ્વારા હાથ ધરાયેલી બીજા તબક્કાની કામગીરી હાલ 40% જેટલી પૂર્ણ થઈ છે. હાલમાં પ્રથમ તબક્કા હેઠળ દરરોજ અંદાજે 22 MLD ગંદું પાણી પ્લાન્ટમાં ટ્રીટ કરવામાં આવી રહ્યું છે. દાયકાથી ચાલતી આ યોજના ક્યારે પૂર્ણ થશે અને ક્યારે તેનાથી પાલિકાને આર્થિક લાભ થશે તે હવે જોવાનું રહ્યું.
Read Original Article →