ભરૂચમાં 40 જર્જરિત મકાનોને પાલિકાની નોટિસ:ચોમાસા પહેલા જોખમી ઇમારતો સામે કાર્યવાહી શરૂ

Gujarat5/15/2026, 1:18:20 PM
ભરૂચમાં 40 જર્જરિત મકાનોને પાલિકાની નોટિસ:ચોમાસા પહેલા જોખમી ઇમારતો સામે કાર્યવાહી શરૂ
ભરૂચ નગરપાલિકાએ શહેરમાં આવેલા આશરે 40 જર્જરિત મકાન માલિકોને નોટિસ ફટકારી છે. ચોમાસા પૂર્વે જોખમી ઇમારતો સામે કાર્યવાહીના ભાગરૂપે આ મકાનો તાત્કાલિક ઉતારી લેવા અથવા સમારકામ કરાવી સુરક્ષિત બનાવવા સૂચના અપાઈ છે. નર્મદા નદીના કિનારે વસેલું ભરૂચ શહેર ઐતિહાસિક અને પ્રાચીન નગરી તરીકે ઓળખાય છે. શહેરના જૂના વિસ્તારોમાં આજે પણ વર્ષો જૂના ઢબે બનેલા મકાનો અને હવેલીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. સમય જતાં, જૂના ભરૂચમાંથી લોકો નવા સોસાયટી વિસ્તારોમાં સ્થળાંતર કરતા અનેક મકાનો ખાલી પડ્યા છે અથવા ભાડે અપાયા છે. આવા બંધ હાલતમાં પડેલા મકાનો હવે જર્જરિત અને ખંડેર બની ગયાં છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન આવા જોખમી મકાનો સ્થાનિકો માટે જીવલેણ સાબિત થવાની ભીતિ રહે છે. પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલના જણાવ્યા મુજબ, ગત વર્ષે પાલિકા દ્વારા 9 જોખમી મિલકતો ઉતારી પાડવામાં આવી હતી. જોકે, વર્તમાન નોટિસ બાદ પણ કેટલાક મકાન માલિકો બેદરકારી દાખવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. પરિણામે ચોમાસામાં આવી જર્જરિત ઇમારતો ધરાશાયી થવાનો ખતરો યથાવત રહે છે. અનેક વખત આવા બનાવોમાં આસપાસ રહેતા નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે પાલિકા માત્ર નોટિસ પૂરતી મર્યાદિત ન રહી કડક કાર્યવાહી કરી જોખમી મકાનો સામે તાત્કાલિક પગલાં ભરે, જેથી કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં જ જોખમ ટાળી શકાય.
Read Original Article →