ભરૂચમાં નિવૃત્ત ONGC અધિકારી સાથે રૂ. 1.91 કરોડની છેતરપિંડી:શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી નાણાં પડાવ્યા
ભરૂચના સિદ્ધનાથ નગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત ONGC અધિકારી સુનિલ વર્મા સાથે રૂ. 1.91 કરોડની છેતરપિંડી થઈ છે. રતન તળાવ વિસ્તારના મહેન્દ્રકુમાર તિવારીએ તેમને શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી આ નાણાં પડાવ્યા હતા. તિવારીએ સુનિલ વર્માને શેર માર્કેટ અને બ્રોકિંગ દ્વારા આકર્ષક વળતર અપાવવાનું વચન આપ્યું હતું. શરૂઆતમાં વિશ્વાસ કેળવવા માટે તેમણે સમયાંતરે લાખો રૂપિયાનું વળતર પણ ચૂકવ્યું હતું. જોકે, છેલ્લા કેટલાક સમયથી નફો મળવાનું બંધ થતાં અને મૂળ રકમ પરત ન મળતા વિવાદ શરૂ થયો હતો. સુનિલ વર્માએ પોતાના રોકાણ અને નાણાં અંગે સ્પષ્ટતા માંગી ત્યારે આરોપીએ પૈસા ખર્ચાઈ ગયા હોવાનું અને હાલ ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું હતું. આ જવાબ બાદ પોતાની સાથે મોટી આર્થિક છેતરપિંડી થઈ હોવાનું લાગતા સુનિલ વર્માએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી નાણાકીય વ્યવહારો, રોકાણના દસ્તાવેજો અને અન્ય પાસાઓની તપાસ હાથ ધરી છે.
Read Original Article →